યમુના નદીની સફાઈને લઈને વડાપ્રધાન મોદીએ બોલાવી બેઠક, ત્રણ તબક્કામાં થશે કામગીરી
Updated: Apr 17th, 2025
GS TEAM
Yamuna Cleaning Plans: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યમુના નદીની સફાઈને લઈને ગુરૂવારે એક હાઈ લેવલ બેઠક યોજાઈ હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, ઉપરાજ્યપાલ વીકે સક્સેના અને મુખ્ય સચિવ સામેલ હતા. વડાપ્રધાને નદીથી જનતાને જોડવા માટે ‘જન ભાગીદારી આંદોલન’ શરૂ કરવાની સલાહ આપી હતી. આ બેઠકમાં યમુનાની સફાઈ માટે અલ્પકાલિન (3 મહિના), મધ્યકાલિન (3 મહિનાથી 1.5 વર્ષ) અને દીર્ઘકાલિન (1.5 વર્ષથી 3 વર્ષ) યોજના પર વિસ્તારથી વિચાર વિમર્શ કરાયો.
બેઠકમાં ડ્રેન મેનેજમેન્ટ, વેસ્ટ મેનેજમેન્ટ, સીવેજ અને ડેરી વેસ્ટ મેનેજમેન્ટ, ઇન્ડસ્ટ્રિયલ વેસ્ટ, નદીના પ્રવાહમાં સુધારો, પુર ક્ષેત્ર સુરક્ષા જેવા કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરાઈ. બેઠકમાં એ નક્કી કરાયું છે કે દિલ્હીના પાણી વ્યવસ્થાપન માટે ‘અર્બન રિવર મેનેજમેન્ટ પ્લાન’ તૈયાર કરાશે. આ યોજના શહેરના માસ્ટર પ્લાન સાથે જોડવામાં આવશે જેથી શહેરના વિકાસ અને પાણી વ્યવસ્થાપન વચ્ચે સંકલન રહે.
Source: Gujarat Samachar | Language: Gujarati