‘મારે સન્માનથી દૂર રહેવું હતું, સરકારથી નહીં…’ વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા બાદ વિક્રમ ઠાકોરે આપી પ્રતિક્રિયા
Updated: Mar 29th, 2025
Gandhinagar News : ગાંધીનગર ખાતે થોડા દિવસો અગાઉ ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ તેમાં ગુજરાત ફિલ્મ અભિનેતા અને ગાયક વિક્રમ ઠાકોર સહિત ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન આપવામાં આવતા વિવાદ ઊભો થયો હતો. જ્યારે વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારે 26-27 માર્ચ દરમિયાન વિધાનસભામાં વિક્રમ ઠાકોર સહિત રાજ્યભરના 1000થી વધુ કલાકારોને ગૃહની કાર્યવાહી નિહાળવા આમંત્રિત કર્યા હતા. જો કે, વિક્રમ ઠાકોર વિધાનસભા ન ગયા હતા. તેવામાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઇસુદાન ગઢવી મારફતે વિક્રમ ઠાકોરનો સંપર્ક કર્યો હતો. જ્યારે હવે વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા બાદ વિક્રમ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે કહ્યું કે, ‘મારે સન્માનથી દૂર રહેવું હતું, સરકારથી નહીં’.
વિક્રમ ઠાકોરે શું કહ્યું?
વિધાનસભામાં ન જવાને લઈને વિક્રમ ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી કે, ‘આ મુદ્દો એ મારા એકલા માટે નહોતો ઉઠાવ્યો. પરંતુ ક્ષત્રિય સમાજ અને દરેક જ્ઞાતિના કલાકારો માટે ઉઠાવ્યો હતો. જો હું વિધાનસભામાં જાત તો લોકોમાં એવો મેસેજ બહાર આવત કે વિક્રમ ઠાકોરને પોતાનું સમ્માન કરાવવું હતું. મારે સન્માનથી દૂર રહેવું હતું. મારે દરેક પક્ષના નેતા સાથે સારા સંબંધો છે અને હંમેશા એ લોકો સાથે રહીશ.’
Courtesy: Gujarat Samachar