ભાજપના વોર્ડ ૧૫ના કોર્પોરેટરને પક્ષે અંતે શોકોઝ નોટિસ ફટકારી
Updated: Mar 26th, 2025
વડોદરા, તા.26 વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની સમગ્ર સભામાં બે દિવસ અગાઉ ભાજપના વોર્ડ નં.૧૫ ના કોર્પોરેટર આશિષ જોશીએ પોતાના વોર્ડ વિસ્તારમાં નાળાની સફાઈ મુદ્દે મ્યુનિ. કમિશનર દિલીપ રાણા સાથે તુતુમેંમેં કરી શાબ્દિક ટપાટપી કરતા શહેર ભાજપ દ્વારા કોર્પોરેટરને શો કોઝ નોટિસ અપાઈ છે.
કોર્પોરેટર દ્વારા થતી વારંવાર ગેરશિસ્તને ધ્યાનમાં રાખીને આ નોટિસ આપી ત્રણ દિવસમાં તેનો જવાબ રજૂ કરવા જણાવી દેવાયું છે.
આ મુદ્દે કોર્પોરેટરને પૂછતાં તેમણે કહ્યું હતું કે, હું પ્રજાની માફી માગીશ. નાળુ સાફ ન થતા લોકોને પડેલી તકલીફ અને વેરાનું વળતર ન મળવું કે પછી પૂર રાહત કેશ ડોલ ન મળવી તે મુદ્દે માફી માગવા તૈયાર છે. સભામાં પ્રજાના પ્રશ્નો માટે જે ઉગ્રતા બતાવી તે બરાબર હતી. અધિકારીઓએ કામ ન કર્યું અને પગાર લઈ લીધો, પણ લોકોની તકલીફ દૂર ન થઈ. નોટિસ મુદ્દે તેમનું કહેવું હતું કે મેં હજી નોટિસ વાચી નથી. મેં છેલ્લા ચાર વર્ષમાં પ્રજા માટે જે કાંઈ કામો કર્યા છે તેનો ચિતાર શહેર ભાજપ પ્રમુખને મળીને રજૂ કરીશ અને મારો પક્ષ મૂકીશ. મારો પક્ષ મૂકવા મને ત્રણ દિવસ સમય આપ્યો જ છે અને હું યોગ્ય રજૂઆત કરીશ.
ગઈકાલે કોર્પો.ના અધિકારીઓએ મેયરને મળીને કમિશનર સાથે થયેલી વર્તણૂક બદલ કોર્પોરેટર માફી માગે તેવી રજૂઆત કરી હતી.
Courtesy: Gujarat Samachar