ધ્રોલના વાંકીયા ગામમાં બે ખેડૂતોને ત્યાં તાજેતરમાં થયેલી જીરુંની ચોરીનો ભેદ ઉકેલાયો : ચાર તસ્કરોની અટકાયત
Updated: Mar 29th, 2025
Jamnagar Theft Case : ધ્રોળ તાલુકાના વાંકીયા ગામમાં રહેતા એક ખેડૂતના મકાનના ફળિયામાંથી કોઈ તસ્કરો 16 ગુણી જીરુંની ચોરી કરી ગયાના બનાવ બાદ વાંકીયા ગામમાં જ વધુ એક ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવી લઇ અંદરથી રૂપિયા અડધા લાખની કિંમતનું 16 મણ જીરું ચોરી કરી ગયાની ફરિયાદ ધ્રોળ પોલીસ મથકમાં નોંધાવાઈ હતી. જે બંને ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે, અને ધ્રોળ પોલીસે રાજકોટ અને ગોંડલના ચાર તસ્કરોની અટકાયત કરી લઈ બે કાર, તથા રોકડ રકમ સહિત 11.26 લાખની માલમતા કબજે કરી છે.
ધ્રોલ તાલુકાના વાંકીયા ગામમાં એક ખેડૂતના મકાનના ફળિયામાંથી તાજેતરમાં રૂપિયા 1,68,000ની કિંમતની 16 ગુણી જીરુંની ચોરી થઈ હતી. ત્યારબાદ વાંકિયા ગામમાં જ વધુ એક ગોદામમાંથી 5 ગુણી જીરુંની ચોરી થયાની ફરિયાદ થઈ હતી.
ઉપરોક્ત બંને ચોરી અંગે ધ્રોલ પોલીસે જુદા જુદા સીસીટીવી કેમેરાઓ તેમજ હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે, અને અગાઉ ચોરીમાં પકડાઈ ચૂકેલા રીઢા તસ્કર રાજકોટમાં ભગવતી પરામાં રહેતા વિજય ઉર્ફે બેડિયો મુકેશભાઈ સોલંકી તેમજ રાજકોટમાં ગુલાબ નગર શેરી નંબર 21 માં રહેતા રાકેશ ઉર્ફે રાહુલ મુકેશભાઈ સોલંકી ઉપરાંત ગોંડલમાં રહેલા સુનીલ ભીખુભાઈ પરમાર અને રાજકોટના રૂખડીયાપરામાં રહેતા સંજય ઉર્ફે મુકેશ ઝીણાભાઈ સોલંકીની અટકાયત કરી લીધી હતી.
Courtesy: Gujarat Samachar