ગૌચરની જગ્યાના ૨૩ વૃક્ષો કાપી બારોબાર સગેવગે કરી દીધા
Updated: Mar 27th, 2025
વડોદરા,વડોદરામાં પૂરને ટાળવા માટે વિશ્વામિત્રી નદીને પહોળી કરવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. તેનો ફાયદો ઉઠાવીને શહેર નજીકના એક ગામના સરપંચ અને લાકડાના વેપારી દ્વારા વિશ્વામિત્રી નદીના પટથી થોડે દૂર ગૌચરની જગ્યામાં કોઇપણ પરવાનગી વગર ૨૩ લીલા વૃક્ષો કાપી નાંખી તેના લાકડા વેચી દીધા છે.
તલસટ ગામના એક અગ્રણી અને શહેર કોંગ્રેસના એક વોર્ડ પ્રમુખે મ્યુનિસિપલ કમિશનર, ગ્રામ્ય મામલતદાર,વન અને પર્યાવરણ વિભાગ તથા અટલાદરા પોલીસને ફરિયાદ કરી જણાવ્યું છે કે, વૃક્ષોનું ગેરકાયદે છેેદન કરવામાં આવ્યું છે. આ અંગે કોર્પોરેશન દ્વારા અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી. પોલીસે સ્થળ પર જઇ પંચક્યાસ કરી લાકડાના વેપારીને પોલીસ સ્ટેશન તપાસ માટે બોલાવ્યો હતો. જેમાં વેપારીએ કબૂલાત કરી હતી કે, ગામના સરપંચ પણ આ પ્રકરણમાં ભાગીદાર છે. સરપંચે કોર્પોરેશનના અધિકારીને ઠરાવ બતાવી જગ્યા ખાનગી માલિકીની હોવાનું જણાવી ગેરમાર્ગેે દોરતા ફરિયાદ પરત ખેંચી લેવામાં આવી હતી. જોકે, આ અંગે અટલાદરા પોલીસ સ્ટેશનના પી.આઇ.એમ.કે. ગુર્જરે જણાવ્યું હતું કે, કંટ્રોલ રૃમમાંથી કોલ આવતા અમારો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. સ્થળ પર ઉભેલા લાકડા ભરેલા બે ટ્રેક્ટર અમે પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા. તેઓએ ગ્રામ પંચાયતનો ઠરાવ રજૂ કર્યો હતો. જે ઠરાવની નકલ અમે કોર્પોરેશનને મોકલી આપી છે. કોર્પોરેશન દ્વારા તેઓને વૃક્ષો કાપવાની પરમિશન આપવામાં આવી છે કે નહીં ? તે અંગેની માહિતી માંગવામાં આવી છે. પરંતુ, હજી કોઇ માહિતી આપવામાં આવી નથી. માહિતી મળ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ તપાસ ચાલુ છે.
વૃક્ષો કાપવા ગામના સરપંચ અને તલાટીએ જાતે જ ઠરાવ કર્યો હતો
Courtesy: Gujarat Samachar