PANCHMAHAL NEW VIRUS IN CHILDREN
ચોમાસાની ઋતુમાં પાણી અને ભેજજન્ય રોગો માજા મુકતા હોય છે ત્યારે પંચમહાલ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ચાંદીપુરમ વાયરસ નામના વાયરસ થી સંક્રમિત થયેલા બાળ દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળતો હોય છે. ત્યારે પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ રોગને પહેલેથી જ થતો અટકાવવા માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે અને જિલ્લાના તમામ તાલુકાઓના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગની અલગ અલગ 300 થી વધુ ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં આવેલા મકાનોમાં ડસ્ટિંગ, મકાનની દિવાલોમાં રહેલી તિરાડોને માટી તેમજ દવા મિશ્રિત માટીથી પુરવાની અને પાણીના ખાબોચિયા તેમજ ચોખા પાણીના ભરેલા વાસણોમાં પણ દવા છંટકાવની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. ચાંદીપુરમ વાયરસ મુખ્યત્વે મકાનની દીવાલોમાં થયેલી તિરાડોમાં જન્મ લેતી સેન્ડ ફ્લાય નામની માંખી કરડવાથી ફેલાય છે. આ રોગ નાના બાળકોમાં વધુ પ્રમાણમાં જોવા મળતો હોય છે ત્યારે આ રોગને વધતો અટકાવવા માટેનો એક જ ઉપાય છે કે મકાનોની દિવાલોમાં જન્મ લેતી સેન્ડ ફ્લાય માખીને કરડતી અટકાવવામાં આવે. સદ્નસીબે પંચમહાલ જિલ્લામાં હજુ સુધી ચાંદીપુરમ વાયરસ થી સંક્રમિત બાળકોનો એક પણ કેસ નોંધાયો નથી પરંતુ વર્ષ 2019 સુધી પંચમહાલ જિલ્લામાં પણ ચાંદીપુરમ વાયરસના કેસોની સંખ્યા ચોમાસાની સિઝનમાં ખૂબ જ પ્રમાણમાં જોવા મળતી હતી. આરોગ્ય વિભાગ દ્વારા કેસોની સંખ્યામાં ઘટાડો થાય અને સેન્ડ ફ્લાય માખીનો ઉપદ્રવ જ ઓછો થાય જેથી કરીને આ વાયરસ ફેલાતો અટકે તે માટેના અગાઉથી જ પગલાં લેવામાં આવી રહ્યા છે અને હાલ જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સર્વેલંસની કામગીરી કરવામાં આવી રહી છે. #grahakchetna.in