MSUમાં પહેલી વખત પગાર વધારા માટે હંગામી અધ્યાપકોએ સહી ઝુંબેશ શરૂ કરી
Updated: Mar 30th, 2025
એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના હંગામી અધ્યાપકોએ પગાર વધારા માટે સહી ઝુંબેશ શરૂ કરી છે. જેમાં હવે અન્ય ફેકલ્ટીના હંગામી અધ્યાપકો પણ જોડાય તેવી શક્યતા છે.
યુનિવર્સિટીમાં હંગામી અધ્યાપકોને ત્રણ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે.જેમાં પીએચડી ડિગ્રી મેળવીને નોકરી કરી રહેલા ટેમ્પરરી આસિસટન્ટ પ્રોફેસરને 46000 રૂપિયા, નેટ સ્લેટ પાસ કરનારા હંગામી અધ્યાપકને 42000 રૂપિયા અને માસ્ટર ડિગ્રી સાથે નોકરી કરતા હંગામી અધ્યાપકને 40000 રૂપિયા પગાર આપવામાં આવે છે.
પીએચડી ડિગ્રી મેળવીને નોકરી કરતા હંગામી અધ્યાપકોનું કહેવું છે કે, યુજીસીના 2018ના નિયમ પ્રમાણે અમને 57700 રૂપિયા પગાર મળવો જોઈએ.યુનિવર્સિટી દ્વારા આ ધારા ધોરણ પ્રમાણે પગાર નહીં અપાતો હોવાના કારણે અન્ય યુનિવર્સિટીમાં કાયમી નોકરી માટે એપ્લાય કરવામાં આવે ત્યારે એમ.એસ.યુનિવર્સિટીમાં હંગામી અધ્યાપક તરીકે કરેલી નોકરીનો અનુભવ ગણતરીમાં લેવામાં આવતો નથી.
Courtesy: Gujarat Samachar