Editor’s View: રાન્યા, રૂપિયાનો ચસકો ને રડાર:સોનું સંતાડવાની ત્રણ ટ્રિક અને એક કોન્ટેબલ, દુબઈની 30 ટ્રિપનું સિક્રેટ, જાણો કન્નડ એક્ટ્રેસની સ્મગલિંગની કહાની
કન્નડ ફિલ્મોની એક સમયની એક્ટ્રેસ રાન્યા રાવ ચર્ચામાં છે. માર્ચ મહિનાની શરૂઆતમાં બેંગલુરૂના એરપોર્ટ પરથી 12 કરોડ રૂપિયાના સોના સાથે ઝડપાઈ. એ હિરોઈન તો હતી જ, પણ કર્ણાટકના DGPની સાવકી પુત્રી પણ છે એટલે આ કેસ વધારે ચર્ચામાં આવ્યો. તેણે ત્રણ-ત્રણ વાર જામ
નમસ્કાર,
રાન્યા રાવ એક વર્ષમાં 30 વાર અને 15 દિવસમાં ચાર વખત દુબઈ જઈ ને બેંગલુરૂ આવી. બેંગલુરૂ-દુબઈ વચ્ચે અપ-ડાઉન કરતી હોય એ રીતે સફર કરતી. આનાથી તે DRIના રડારમાં હતી. એવામાં ઈનપુટ મળ્યા કે રાન્યા સોના સાથે બેંગલુરૂ ઉતરવાની છે એટલે DRIએ પકડી પાડી. આ આખો કેસ હવે કર્ણાટક સરકારની નિષ્ફળતા પર જતો રહ્યો છે. ભાજપે સિદ્ધારમૈયા સરકાર પર માછલાં ધોયા છે. હિરોઈનના સાવકા પિતા DGPને ફરજિયાત રજા પર ઉતારી દેવાયા છે. જામીન માટે હવાતિયાં મારતી પડદા પરની હિરોઈન તો ચહેરો છે. તેને મોહરું બનાવીને કોણ સ્મગલિંગ કરાવતું હતું તેની પડદા પાછળ તપાસ ચાલી રહી છે.
શું છે આખી ઘટના? ઘટના 24 દિવસ પહેલાંની છે. 3 માર્ચે કન્નડ એક્ટ્રેસ રાન્યા રાવ દુબઈથી ભારત આવી હતી. અમિરાતની ફ્લાઈટમાં તે બેંગલુરૂના કેંપેગોડા એરપોર્ટ પર પહોંચી તો તરત તેની ધરપકડ કરી લેવામાં આવી. આરોપ એવો હતો કે રાન્યા દુબઈથી 14 કિલો સોનાની તસ્કરી કરી રહી હતી. તેની કિંમત લગભગ 12 કરોડ રૂપિયા થતી હતી. તેનું બોડી સ્કેનિંગ કરવામાં આવ્યું તો શરીર કમર અને સાથળના ભાગે ચોટાડેલી સોનાની લગડીઓ મળી આવી. રાન્યા રાવે જે કપડાં પહેર્યાં હતા તેના પર સોનાની પરત ચડેલી હતી. DRIને ઈનપુટ મળ્યા હતા કે કન્નડ એક્ટ્રેસ રાન્યા રાવ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિમાં સંડોવાયેલી છે. તેના આધારે DRIએ રાન્યા રાવ પર વોચ રાખી હતી. રાન્યાને ઈકોનોમિક ઓફેન્સિસ કોર્ટમાં રજૂ કરવામાં આવી. એ પછી તેને 14 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.
DRIએ મીડિયાને જણાવ્યું હતું કે, રાન્યાએ વારંવાર વિદેશ યાત્રા કરી હતી. છેલ્લા એક વર્ષમાં 30 વાર અને 15 દિવસોમાં તે ચાર વખત દુબઈ ગઈ હતી. એટલે તે રડારમાં તો હતી જ. રાન્યાએ કસ્ટમની તપાસથી બચવાની પણ કોશિશ કરી. તેણે પોતાના ‘છેડા’ બધી જગ્યાએ છે તેવી વાત કરવાનો પણ પ્રયાસ કર્યો. રાન્યાએ બેંગલુરૂ એરપોર્ટથી એસ્કોર્ટ લેવા માટે લોકલ પોલીસનો પણ કોન્ટેક્ટ કર્યો હતો. આ બધું થયા પછી પણ DRIએ મક્કમ રહીને તપાસ ચાલુ રાખી ને સોનું ઝડપાયું.
Courtesy: Divya Bhaskar