શું છે બ્લુસ્માર્ટ કૌભાંડ? પ્રમોટરોએ કંપની ફંડમાંથી રૂ. 262 કરોડ મોજશોખમાં ઉડાવી દીધા, ધોની-દીપિકાનું પણ છે રોકાણ
Updated: Apr 18th, 2025
GS TEAM
BluSmart EV Scam : ‘જેન્સોલ એન્જિનિયરિંગ’ના પ્રમોટર અનમોલ સિંહ જગ્ગી અને પુનીત સિંહ જગ્ગીએ કંપનીના ફંડનો મોટો હિસ્સો પોતાની માલિકીનો હોય એ રીતે વાપરી ખાધો હોવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ કોઈ જેવા તેવાએ નહીં, સેબીએ (Securities and Exchange Board of India)એ લગાવ્યો છે. સેબીએ જાહેર કર્યું હતું કે પ્રમોટરોએ કંપનીના પૈસે વૈભવી એપાર્ટમેન્ટ ખરીદ્યું, ગોલ્ફ રમવા માટે લેટેસ્ટ સેટ ખરીદ્યા, ક્રેડિટ કાર્ડના બિલ ચૂકવ્યા, પ્રવાસ કર્યો અને પરિવારના લોકોના ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા.
સેબીએ મંગળવારે રાઈડ-હેઈલિંગ સ્ટાર્ટઅપ બ્લુસ્માર્ટ માટે ઈલેક્ટ્રિક વાહન ખરીદી સંબંધિત દેવાની ચુકવણીમાં ડિફોલ્ટ થયા બાદ જેન્સોલ એન્જિનિયરિંગના સ્થાપકોને કંપનીમાં મુખ્ય હોદ્દા પર રહેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જેન્સોલના સ્થાપકો અનમોલ સિંહ જગ્ગી અને પુનીત સિંહ જગ્ગીને સિક્યોરિટીઝ માર્કેટમાં ભાગ લેવાની પણ મનાઈ ફરમાવાઈ છે. અનમોલ સિંહ જગ્ગી દ્વારા સહ-સ્થાપિત બ્લુસ્માર્ટ દિલ્હી-એનસીઆર, બેંગ્લોર અને મુંબઈમાં ઈલેક્ટ્રિક કાર સેવાઓ પૂરી પાડે છે.
Source: Gujarat Samachar | Language: Gujarati