દાઉદની ગેંગના નામે નશેડી યુવકે આખા મુંબઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી, પોલીસે પકડ્યો
Updated: Apr 16th, 2025
Bomb Blast Threat in Mumbai: મુંબઇ પોલીસ કંટ્રોલ રૂમને એક ધમકીભર્યો ફોન આવ્યો હતો, જેમાં આખા મુંબઇને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ફોન કરનાર વ્યક્તિ પોતે ડી-કંપનીનો માણસ હોવાનું જણાવ્યું હતું. ડી કંપનીને અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહીમ લીડ કરે છે. જોકે ફોન કરીને ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે સુરજ જાધવ નામના આરોપીએ દારૂના નશામાં ફોન કરીને ધમકી આપી હતી.
તંત્રએ પણ એ વાતની પુષ્ટી કરી છે કે જાધવ અગાઉ અનેકવાર આ પ્રકારે ખોટી રીતે કોલ કરીને ખળભળાટ મચાવવાની જેવી સ્થિતિ સર્જી ચૂક્યો છે. જોકે તાજેતરની ઘટનાનો મામલો આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. અગાઉ બોરિવલી, બીકેસી અને વાકોલા પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે આ રીતે ફેક ધમકીઓ આપતા કોલ કર્યાના કેસ નોંધાયેલા છે. તે દારૂના નશામાં આવી હરકતો કરતો હોવાની જાણકારી મળી રહી છે. ફોન કરનાર વ્યક્તિએ દાવો કર્યો છે કે મુંબઇમાં બોમ્બ વિસ્ફોટ થવાના છે. ધમકી ભર્યા કોલ બાદ લોકલ પોલીસ તાત્કાલિક એક્ટિવ થઇ હતી અને બોમ્બ સ્કવૉડને જાણકારી આપી છે. તપાસ કરતાં કંઇપણ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.
આરોપીની ધરપકડ
પોલીસે કૉલરનું લૉકેશન ટ્રેસ કર્યું છે અને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે કૉલરને બોરીવલીથી ઝડપી પાડ્યો હતો. આ કોલ તેણે મંગળવારે 2:30 વાગે કર્યો હતો.
Source: Gujarat Samachar | Language: Gujarati