કારેલીબાગના હિટ એન્ડ રનના આરોપી રક્ષિતની કાર 120 ની સ્પીડે હતી,સત્તાવાર રિપોર્ટ આવ્યો નથી
Updated: Mar 27th, 2025
વડોદરાઃ કારેલીબાગના બહુચર્ચિત હિટ એન્ડ રન કેસના આરોપી રક્ષિત ચોરસિયાનો રિપોર્ટ આવી ગયો હોવાની વિગતો ચર્ચામાં છે.
આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે હોળીની રાતે ફુલસ્પીડે ધસી આવેલી કારે ત્રણ સ્કૂટરને અડફેટમાં લેતાં આઠ જણા ફંગોળાયા હતા અને તેમાં હેમાલી પટેલ નામની મહિલાનું મોત નીપજ્યું હતું.
આ બનાવમાં વારાણસીના વતની અને નિઝામપુરામાં રહેતા રક્ષિત રવિશ ચોરસિયાની ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે,તેની પાસે બેઠેલા કારમાલિકના પુત્ર પ્રાંશુ રાજેશ ચૌહાણ(ભાયલી) તેમજ બંને જણા જેને મળીને આવ્યા તે સુરેશ ભરવાડ (કિશનવાડી)ના બ્લડ તેમજ કારની સ્પીડના રિપોર્ટ માટે પોલીસે કાર્યવાહી કરી હતી.
આ પૈકી રક્ષિતની કારનો રિપોર્ટ આવી ગયો હોવાની ચર્ચા છે.જેમાં તેની સ્પીડ ૧૨૦ જેટલી હોવાની માહિતી છે.જો કે, કારેલીબાગના પીઆઇ એચ એમ વ્યાસે આવો કોઇ રિપોર્ટ હજી મળ્યો નથી તેમ કહ્યું હતું.જ્યારે, ડીસીપી પન્ના મોમાયાએ કહ્યું હતું કે,અમે રિપોર્ટ વહેલા મળે તે માટે સતત તપાસમાં છીએ.જેવાે રિપોર્ટ આવશે એટલે જાહેર કરવામાં આવશે.
Courtesy: Gujarat Samachar