નડિયાદ અને આણંદ સહિત ચરોતરના રેલવે સ્ટેશન પર મુસાફરો અટવાયા
Updated: Mar 26th, 2025
– અમદાવાદના વટવા પાસે બુલેટ ટ્રેનની કામગીરીમાં દુર્ઘટના બાદ
– પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર નડિયાદ સુધી ટ્રેનમાં આવ્યા ; મુસાફરોએ ખાનગી વાહનોનો સહારો લીધો
વટવા રેલવે ટ્રેક નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર સેગમેન્ટલ લોન્ચિંગ ગેન્ટ્રી આકસ્મિક રીતે પડી જતા વટવા નજીક રેલવેને નુકસાન થયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તેના કારણે અમદાવાદથી નડિયાદ થઈ વડોદરા તરફ જતો ટ્રેનોનો આખા રૂટમાં અસર થઈ હતી. ખાસ કરીને વડોદરા તરફની ૨૫ ટ્રેનો આકસ્મિક રદ કરવાની ફરજ પડી હતી. જેથી છેક વટવાથી માંડી ચરોતરમાં નડિયાદ અને આંણદ સહિતના મોટા રેલવે સ્ટેશનો પર મુસાફરો અટવાયા હતા. અમદાવાદ તરફની ટ્રેનો નડિયાદ અને આણંદ સ્ટોપ કરી દેવાઈ હતી. તો આ તરફ અમદાવાદથી પણ ટ્રેનો રદ કરાઈ હતી. જેના પગલે મુસાફરો રેલવે સ્ટેશનો પર અટવાયા હતા. નડિયાદના જય માનવ સેવા પરીવાર દ્વારા રેલવે સ્ટેશન પર ચ્હા અને નાસ્તાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલ તો અમદાવાદ નજીક ક્રેન ધસી પડવા મામલે તેને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ હજુ ટ્રેનો નિયમિત થઈ નથી. જેના કારણે લોકોને ખાનગી વાહનો મારફતે પણ જવાની ફરજ પડી રહી છે.
Courtesy: Gujarat Samachar