3 રાજ્યોમાં હીટવેવ, 2 રાજ્યોમાં વરસાદનું એલર્ટ:રાજસ્થાનમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે ગગડ્યું; છત્તીસગઢના રાયપુરમાં પારો 40 ડિગ્રીને પાર
હવામાન વિભાગે રવિવારે ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે. તેમજ, ઉત્તર ભારતમાં ભારે પવનોને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. શનિવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 15.5 ડિગ્રી નોંધાયું હતું.
રાજસ્થાનમાં ઉત્તરીય પવન ફૂંકાતા હોવાથી સવારે અને સાંજે હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. કેટલાક શહેરોમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગબડ્યું છે. મધ્યપ્રદેશમાં પણ હવામાન બદલાશે. એપ્રિલના પહેલા અઠવાડિયામાં કરા, વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું છે.
આ તરફ, છત્તીસગઢની રાજધાની રાયપુરમાં તાપમાન 40.2 ડિગ્રી સુધી પહોંચી ગયું. જો કે, 1 એપ્રિલથી રાજ્યમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આજે દિલ્હી, પંજાબ, ચંદીગઢ, રાજસ્થાન અને ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં 20-30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
આગામી 2 દિવસ હવામાન કેવું રહેશે
1-2 એપ્રિલના રોજ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ અને મરાઠવાડાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અને કરા પડવાની શક્યતા છે. ભોપાલ, ઇન્દોર, જબલપુર અને ગ્વાલિયરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તાપમાનમાં 2-4 ડિગ્રીનો ઘટાડો શક્ય છે.
Courtesy: Divya Bhaskar