હજ યાત્રાના નામે મહિલા સાથે વડોદરાના ટૂર ઓપરેટર દ્વારા ઠગાઇ
Updated: Mar 28th, 2025
રૂ. 6.35 લાખમાંથી રૂ. 25,000 પરત આપી બાકીની રકમ ઓળવી લીધી : આરોપીએ શરૂઆતમાં રૂ. ૩ લાખ અને બાદમાં કટકે-કટકે રૂ. 3.35 લાખ લઇ હજ યાત્રાએ ન મોકલ્યા
રાજકોટ, : ભોમેશ્વર પ્લોટ 6/12ના ખૂણે રહેતા જમીલાબેન ઇસ્માઇલભાઈ સોલંકી (ઉ.વ. 50) સાથે હજ યાત્રાના નામે વડોદરાના ગોરવા વિસ્તારમા ભંડારી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની પેઢી ધરાવતા આરોપી શોયેબ ઇકબાલ રાણાએ રૂ. 6.10 લાખની ઠગાઇ કર્યાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી આરોપીની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે. શરૂઆતમાં જમીલાબેને પોલીસ કમિશનરને અરજી કરી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદમાં તેણે જણાવ્યું કે 2023માં હજ કરવા જવાનું હોવાથી સગા વ્હાલાઓને વાત કરી હતી. તે વખતે ભત્રીજા આસીફ અજમેરીએ તેના મામા સાદીકભાઈ પરિવાર સાથે ઉમરાહ કરવા માટે ગયા હતા ત્યારે આરોપીએ પેકેજ આપી સારી વ્યવસ્થા કરી આપી હતી.
જેથી આરોપીનો સંપર્ક કર્યો હતો. તે વખતે આરોપીએ કહ્યું કે હું તમને હજ યાત્રામાં મોકલી આપીશ. જે પેટે શરૂઆતમાં રૂ. 3 લાખ માંગતા તેણે RTGSથી આ રકમ મોકલી આપી હતી. આમ છતાં આરોપીએ હજ યાત્રા માટે મોકલ્યા ન હતાં. એટલું જ નહીં 2024ની સાલમાં આરોપીએ વધુ પૈસાની માગણી કરતાં કટકે-કટકે તેને વધુ રૂ. 3.35 લાખ મોકલી આપ્યા હતાં. આમ છતા આરોપી ગોળ-ગોળ જવાબ આપતો હતો અને હજ યાત્રા માટે લઇ જતો ન હતો. આખરે તેણે આરોપીને હજ યાત્રામા મોકલવા અગર તો પૈસા પરત આપવાનું કહેતા ગલ્લા-તલ્લા કર્યા હતાં. થોડા દિવસો બાદ આરોપીએ રૂ. 25,000 આપી બાકીના રૂ. 6.10 લાખનો તેના નામનો ચેક આપ્યો હતો. જે બાઉન્સ થયો હતો. આ બાબતે કોલ કરતાં આરોપીએ ફરીથી ગોળ-ગોળ જવાબો આપ્યા હતાં. આજ સુધી તેના રૂ. 6.10 લાખ પરત નહીં કરતાં આખરે ફરિયાદ નોંધાવી હતી.
Courtesy: Gujarat Samachar