સુરત જિલ્લામાં સચિન, ભેસ્તાન અને બારડોલી, ઉત્રાણ, સાયણ, કિમ અને કોસંબા રેલવે સ્ટેશનોને અમૃત સ્ટેશનના સ્વરૂપમાં પુનઃવિકાસ કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા રેલવે વિભાગના વિવિધ પ્રકલ્પોના ઈ-શિલાન્યાસ અને ઈ-લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન સુરતના ભેસ્તાન ખાતે આયોજીત સમારોહમાં રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.  

ભેસ્તાન ખાતે યોજાયેલા આ ઈ-શિલાન્યાસ અને ઈ-લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ તકતીનું અનાવરણ કરી ભેસ્તાન સહિત સુરત જિલ્લાના મુંબઇ સેન્ટ્રલ ડિવિઝન અને વડોદરા ડિવિઝનમાં સમાવિષ્ઠ સ્ટેશનોના પુન:વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. 

ભારતીય રેલવે દ્વારા દેશભરમાં ૧૫૦૦ રોડ ઓવરબ્રીજ અને અંડરપાસના કામોનો શિલાન્યાસ અને લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો. ૧૫૦૦ પૈકી ૧૪૨ કામો પશ્ચિમ રેલવેમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. પશ્ચિમ રેલવેના ૧૪૨ કામો પૈકી ૮ નવા રોડ ઓવરબ્રિજ અને ૪૫ અંડર પાસનો ઈ-શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. જયારે ૩ રોડ ઓવરબ્રિજ અને ૮૬ અંડરપાસનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 

અમૃત મહોત્સવની પરિકલ્પનાને સાકાર કરવા માટે  ભારતીય રેલવેએ દેશભરના પ્રમુખ સ્ટેશનોને “નવા ભારતનું નવું સ્ટેશન” માં રૂપાંતરિત કરવા માટે એક મહત્વાકાંક્ષી યોજના તૈયાર કરી છે. રેલવે સ્ટેશનોનું સ્વરૂપ બદલવાના આ પ્રયાસમાં, ભારતીય રેલવેએ એક દૂરંદેશી નીતિ, “અમૃત ભારત સ્ટેશન” યોજનાનું અનાવરણ કર્યું છે. આ યોજનાનો ઉદ્દેશ્ય રેલવે સ્ટેશનોને ‘અમૃત સ્ટેશન’ તરીકે વિકસિત કરીને તેમની ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધાઓ અને સગવડોમાં તેમજ યાત્રીઓને સલામત, આરામદાયક અને નૈસર્ગિક મુસાફરીનો તદ્દન નવો અનુભવ પ્રદાન કરવા તથા સેવાઓમાં વૃદ્ધિ કરવાનો છે. આ યોજના હેઠળ, અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે સમગ્ર દેશમાં ૧૩૦૯ રેલવે સ્ટેશનોને ચિહ્નિત કરવામાં આવ્યા છે, જેમાં પશ્ચિમ રેલવેના ૧૨૨ સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ ૧૨૨ સ્ટેશનોમાંથી ૧૬ સ્ટેશન મહારાષ્ટ્રમાં, ૮૯ સ્ટેશન ગુજરાતમાં, ૧પ સ્ટેશન મધ્ય પ્રદેશમાં જ્યારે ર સ્ટેશન 
રાજસ્થાનમાં છે.

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન રૂા. ૪૮૮૬ કરોડના ખર્ચે ૫૫૪ સ્ટેશનોના પુન: વિકાસની આ કામગીરીમાં પશ્ચિમ રેલવેના છ ડિવિઝનમાં આવેલા ૬૬ સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૬૬ પૈકી ગુજરાતના ૪૬ સ્ટેશનોનો પુન:વિકાસ કરવામાં આવશે. ગુજરાતના આ ૬૬ સ્ટેશનો પૈકી મુંબઇ સેન્ટ્રલ ડિવિઝનમાં સમાવિષ્ટ સુરત જિલ્લાના સચીન, ભેસ્તાન અને બારડોલી રેલવે સ્ટેશન જયારે વડોદરા ડિવિઝનમાં સમાવિષ્ટ સુરત જિલ્લાના ઉતરાણ, સાયણ, કીમ અને કોસંબા સ્ટેશનનો પુન:વિકાસ કરવામાં આવશે. 

અમૃત ભારત સ્ટેશન યોજનામાં સ્ટેશન બિલ્ડિંગમાં સુધારો, શહેરના બંને છેડા સાથે સ્ટેશનનું એકીકરણ, મલ્ટિમોડલ એકીકરણ, દિવ્યાંગજન  અને સિનિયર સિટીઝનો માટેની સુવિધાઓ, અને પર્યાવરણને અનુકૂળ ઉકેલોની પરિકલ્પના કરવામાં આવી છે. દરેક સ્ટેશન પર એક વિશાળ રૂફટોપ પ્લાઝા હશે. જેમાં છુટક વેચાણ માટે સ્થળ, કાફેટેરિયા, મનોરંજનની સુવિધાઓ, ફ્રી વાઈ-ફાઈ, ‘વન સ્ટેશન વન પ્રોડકટ’ જેવી યોજનાઓ દ્વારા સ્થાનિક ઉત્પાદનોમાં કિઓસ્ક વગેરે સહિતની તમામ યાત્રી સુવિધાઓ એક જ જગ્યાએ હશે. ટ્રાફિકના સરળ સંચાલન માટે, પૂરતા પાર્કિંગની સુવિધા સાથે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને મેટ્રો, બસ વગેરે જેવા પરિવહનના અન્ય માધ્યમો સાથે તેનું એકીકરણ સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. સૌર ઉર્જા, જળ સંરક્ષણ/રિસાયક્લિંગ અને ઉત્તમ હરિયાળી સાથે ગ્રીન બિલ્ડિંગ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે. તેમાં આગમન અને પ્રસ્થાન માટે અલગ દરવાજા, અવ્યવસ્થા મુક્ત પ્લેટફોર્મ, ઉત્તમ સપાટીઓ અને સંપૂર્ણપણે ઢંકાયેલા પ્લેટફોર્મ હશે.

ભેસ્તાન ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન રેલવે વિભાગ દ્વારા આયોજીત વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા સ્પર્ધકોને પ્રોત્સાહક પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યા હતા. 

કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી શિવાની ગોયેલ, પશ્ચિમ રેલવેના પ્રિન્સીપાલ ચીફ કોમર્શિયલ મેનેજર આલોક વર્મા, ચીફ વિજીલન્સ ઓફિસર સુમીત હંસરાજાણી, કોર્પોરેટરો, વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ, શહેરીજનો, વિદ્યાર્થીઓ અને રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *