સાસંદ, ધારાસભ્યના પરિવાર દ્વારા ગેરકાયદે ખનન : જો માપણી કરાવે તો કરોડોના દંડની ભીતિ
Updated: Mar 28th, 2025
ખાણ ખનીજ વિભાગ ભાજપના નેતાઓને ઘૂંટણિયે : રાજેશ ચુડાસમાના સગા ભાઈ તથા પિતરાઈને તથા દેવા માલમના પુત્રને ખનીજ વિભાગનો 4 વર્ષથી આદેશ છતા લીઝની નથી કરાવતા માપણી
જૂનાગઢ, : જૂનાગઢ જિલ્લામાં રાજકીય ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. કેશોદના ભાજપી ધારાસભ્યના પુત્ર અને જૂનાગઢના સાંસદના ભાઈ તથા તેમના પિતરાઈ ભાઈની લાઈમ સ્ટોનની મંજૂર થયેલી લીઝ સિવાયના વિસ્તારોમાંથી ખનીજ ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી છે. આ ફરિયાદ બાદ ચાર વર્ષથી જમીન માપણી કરાવવા માટે નોટિસ આપવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થતી નથી જેના લીધે સરકારને કરોડો રૂપિયાના દંડની આવક ગુમાવવી પડી રહી છે. રાજકીય માથાઓના કથિત ખનીજ કૌભાંડમાં સરકારના અધિકારીઓ અને સ્થાનિક તંત્રના અધિકારીઓની મિલીભગતના આક્ષેપ ઉઠી રહ્યા છે.
કેશોદ ભાજપના ધારાસભ્ય દેવાભાઈ માલમના પુત્ર બાલુભાઇના નામે દિવાસા ગામે બિલ્ડીંગ લાઈન સ્ટોનની લીઝ મંજુર થયેલી હતી, તેવી જ રીતે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના સગા ભાઇ હરેશભાઈ નારણભાઈ ચુડાસમા તથા તેમના પિતરાઈભાઈ ભરતભાઈ હીરાભાઈ ચુડાસમાના નામે કુકસવાડામાં લીઝ મંજુર થઈ હતી. ભાજપના રાજકીય હોદ્દેદારોની લીઝમાં મંજુર થયેલા વિસ્તાર સિવાયના તેને લાગુ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ખનન ચોરી કરવામાં આવી હોવાના આક્ષેપ બાદ તેની માપણી કરાવવા માટેની ખાણ ખનીજ વિભાગ દ્વારા વર્ષ 2021માં નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં જણાવ્યા મુજબ ભરતભાઈ હીરાભાઈ ચુડાસમાને કુકસવાડા ના સર્વે નંબર 617/ 618, સર્વે નંબર 426/ 427માં ડીઆઈએલઆર પાસે માપણી કરાવી તેમાં હદ નિશાન લગાવવા માટે તા. 19.01.2021ના નોટિસ આપવામાં આવી છે. તેવી જ રીતે સાસંદ રાજેશ ચુડાસમાના સગાભાઈ હરેશભાઈ ચુડાસમાને પણ કુકસવાડાના સર્વે નંબર 80 પૈકી 1/2માં તથા કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમના પુત્ર બાલુભાઈને દીવાસાની લીઝમાં માપણી કરાવી હદ નીશાન લગાવવા માટે નોટિસ આપી હતી. ત્યારબાદ ધારાસભ્ય કે સાંસદના પરિવારજનોએ કોઈ જાતની કાર્યવાહી ન કરી. ત્યારબાદ છેક વર્ષ 2024માં ફરીવાર નોટિસ આપી અને નોટિસમાં સ્પષ્ટ આદેશ કર્યો છે કે જો ડીઆઈએલઆરની માપણી નહીં થાય તો શરત ભંગ કરી કાર્યવાહી કરવામાં આવશે પરંતુ હજુ સુધી કોઈ જાતની કાર્યવાહી થઈ નથી.
Courtesy: Gujarat Samachar