સોશિયલ મીડિયા-મોબાઈલના ઉપયોગની SOP લાવવાની ફક્ત વાતો, બગસરાની ઘટના બાદ ફરી જાગ્યા શિક્ષણ મંત્રી
Updated: Mar 27th, 2025
SOP For Children : આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા જાણે જીવનનો એક ભાગ બની ગયો છે. મોટાભાગના લોકો વિવિધ સોશિયલ મીડિયા એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. જેના ફાયદા હોવાની સાથે ગેરફાયદાઓ પણ છે. પરંતુ હવે સોશિયલ મીડિયા જાણે કે લોકો માટે દૂષણ અને નાના બાળકો માટે એક રોગ બની ગયો હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. બાળકોમાં વધુ પડતાં ફોનના ઉપયોગ સામે શારીરિક, માનસિક નુકસાન પહોંચે છે. મોબાઈલ કે સોશિયલ મીડિયાના ઉપયોગથી બાળકો કે વિદ્યાર્થીઓ સાથે કોઈ ઘટના ઘટે ત્યારે અવાર-નવાર રાજ્યના શિક્ષણ મંત્રી સહિતના નેતાઓ આ મુદ્દે SOP લાવવાની વાતો કર્યા કરે છે. પરંતુ શાળાનું સત્ર પતી જવા આવ્યું છતાં આવી કોઈ SOPનો ડ્રાફ્ટ પણ સરકાર બનાવી શકી નથી.
શું કહેલું શિક્ષણ મંત્રીએ?
રાજ્યમાં છેલ્લા બે ત્રણ મહિનામાં ઘણી એવી ઘટના બની જેની પાછળ મોબાઈલ અને સોશિયલ મીડિયા જવાબદાર હતું. આ સ્થિતિને કાબુમાં લેવા માટે 9 જાન્યુઆરી, 2025ના રોજ ગુજરાત સરકારે પણ ટૂંક સમયમાં એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે તેવું કીધુ હતું. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ અંગે વાત કરતા કહ્યું હતું કે, ‘સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાનો અતિરેક બાળકોના શારીરિક અને માનસિક આરોગ્ય પર નકારાત્મક અસર કરી રહ્યો છે. આ કારણસર ગુજરાત સરકાર ટૂંક સમયમાં વાલીઓ તેમજ શિક્ષકો માટે એક પરિપત્ર બહાર પાડશે. બાળકોમાં રમતગમત અને વાંચન પ્રવૃત્તિ વધે એ હેતુથી મનોવિજ્ઞાનીઓ સાથે ચર્ચાવિમર્શન કરીને આ ગાઈડલાઈન તૈયાર કરવામાં આવશે.’ પરંતુ બાદમાં આ જાહેરાત ખૂદ શિક્ષણ મંત્રી જ ભુલી ગયા, અને હવે જ્યારે બગસરાની ઘટના બની ત્યારે મંત્રીજીને ફરી પાછું SOP લાવવાનું યાદ આવ્યું છે!
Courtesy: Gujarat Samachar