સૌરાષ્ટ્રમાં અસામાજિક તત્ત્વો સામે એકશનઃ ગેરકાયદે બાંધકામો ‘ધડામ’
Updated: Mar 29th, 2025
‘ઓપરેશન- 100’ અંતર્ગત હિસ્ટ્રીશીટરોની સામે કડક કાર્યવાહી : ગોંડલ, કોટડાસાંગાણી, જામકંડોરણા, દ્વારકા, ઓખા, સાવરકુંડલામાં દબાણો પર સરકારી બુલડોઝર ફેરવાયું : એક ધર્મસ્થાન પણ ધરાશાયી
રાજકોટ, : સૌરાષ્ટ્રમાં ‘ઓપરેશન- 100’ અંતર્ગત હિસ્ટ્રીશીટરો સામે કડક કાર્યવાહી ચાલુ રહી છે. આજે ગોંડલ, કોટડાસાંગાણી, જામકંડોરણા, દ્વારકા, ઓખા, સાવરકુંડલામાં અસામાજિક તત્ત્વોનાં ગેરકાયદે બાંધકામો પર સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ સાથે યાત્રાધામ દ્વારકામાં એક દબાણરૂપ ધર્મસ્થાન પણ ધરાશાયી કરવામાં આવ્યું હતું. ગોંડલમાં અનેક ગુન્હાનો ઈતિહાસ ધરાવતા આરોપી ઈરફાન હસનભાઈ કટારીયાની ગેરકાયદેસર મિલ્કતમાં બુલડોઝર ફરી વળ્યું હતું. પોલીસે વોરાકોટડા રોડ ઉપર આવેલ પંચપીરની ધાર પાસે રહેતા ઈરફાન કટારીયાના રહેણાંક સ્થળોએ બાંધકામ તોડી પડાયા હતા. કોટડાસાંગાણીમાં સરકારી ખરાબાની રૂ. 1.20 કરોડની કિંમતની 1200 ચો.મી. જમીન પર ગુલાબ રહેમાન મકવાણા નામના શખ્સે પેશકદમી કરી હતી. જેમાં આજે મામલતદારની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર ફેરવી દીધું હતું.
જામકંડોરણા પંથકમાં અવારનવાર મિલ્કત સંબંધી, શરીર સંબંધી, દારૂ અને જુગારમાં પકડાયેલ ઈસમોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જે અનુસંધાને જામકંડોરણા તાલુકાના નાના ભાદરા ગામે ગુન્હાહીત ઈતિહાસ ધરાવતા ભરત ઉર્ફે ભુરીયો ધીરૂભાઈ મજેઠીયા સામે જામકંડોરણા, જેતપુર, લોધીકા, રાજકોટ, કાપોદ્રા, કામરેજ સહિતના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં દારૂ જુગાર અને માથાકૂટના દસેક જેટલાં ગુન્હા નોંધાયેલા છે, જેથી મામલતદાર કચેરી દ્વારા તેના મકાન, મિલ્કતનાં દસ્તાવેજ વેરીફાઈ કરી ગેરકાયદે બાંધકામની નોટિસ આપવામાં આવી હતી. આજરોજ નાના ભાદરાથી દુધીવદર જવાના રસ્તે તેણે 100 ચોરસવાર જમીન પર બેલાનું ચણતર કરી મકાન બનાવેલું હતું, તેને પોલીસ અને મામલતદારની ટીમ સાથે મળીને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યું હતું.
Courtesy: Gujarat Samachar