વર્ષ 2025 આ વખતે સૌથી ગરમ રહેશે:સતત 10-12 દિવસ લૂ લાગશે, હીટવેવના દિવસો બમણા રહેશે; હવામાન નિષ્ણાતોની આગાહી
આ વખતે દેશમાં અપેક્ષા કરતાં વધુ ગરમી રહેવાની છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આ વર્ષે દેશના ઉત્તર-પશ્ચિમ રાજ્યો એટલે કે હરિયાણા, પંજાબ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, દિલ્હીમાં ગરમીના દિવસોની સંખ્યા બમણી થવાની સંભાવના છે.
2024નું વર્ષ ભારત માટે સૌથી ગરમ વર્ષોમાંનું એક હતું. ગયા વર્ષે દેશ 554 દિવસ સુધી હીટવેવથી પ્રભાવિત રહ્યો હતો. સામાન્ય રીતે એપ્રિલથી જૂન સુધી સતત 5-6 દિવસ સુધી ગરમીનું મોજું ચાલુ રહે છે, પરંતુ આ વખતે 10 થી 12 દિવસના સતત લૂ લાગી શકે છે.
જોકે, હવામાન વિભાગે આ વર્ષે હીટવેવની અસર કેટલા દિવસ રહેશે તેની માહિતી આપી નથી. હવામાનશાસ્ત્રીઓ કહે છે કે જો ગરમીના દિવસોની સંખ્યા બમણી થાય છે, તો 2025 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ હશે. આ દિવસોમાં તાપમાન 5 ડિગ્રી અથવા સામાન્ય કરતા વધુ રહી શકે છે.
વર્ષમાં 365 દિવસ, તો હીટવેવ 554 દિવસ કેમ… ધારો કે કોઈ મહિનામાં દિલ્હીમાં 10 દિવસ, રાજસ્થાનમાં 15 દિવસ, યુપીમાં 12 દિવસ અને બિહારમાં 8 દિવસ ગરમીનો પ્રકોપ રહે છે, તો ગરમીના દિવસો 45 (10+15+12+8) ગણાશે. આનો અર્થ એ થયો કે તે મહિનામાં આ ચાર રાજ્યોમાં હીટવેવની કુલ ઘટનાઓ 45 છે, અને એવું નથી કે મહિનામાં 45 ગરમીના દિવસો હતા. તેવી જ રીતે, 2024માં 554 હીટવેવ દિવસો દેશમાં હીટવેવની ઘટનાઓની કુલ સંખ્યા દર્શાવે છે, કેલેન્ડર દિવસો નહીં.
કયા દિવસને માનવામાં આવે છે હીટવેવ
Courtesy: Divya Bhaskar