વડોદરા: વિવિધ બ્રિજ પર ચાલી રહેલી મેન્ટેનન્સની કામગીરી અંગે કોંગ્રેસના સભ્યએ ઉઠાવ્યા સવાલ
Updated: Mar 27th, 2025
વડોદરા પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના કાઉન્સિલર અમીબેન રાવતે શહેરના વિવિધ પર ચાલી રહેલ કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ફતેગંજ બ્રિજને બનતા હાલ સાત વર્ષ થયા છે અને તાજેતરમાં આપણે તેના પર કાર્પેટિંગનું કામ કર્યું છે. હકીકતમાં એ બ્રિજની જે રીતે આવરદા છે તે પ્રમાણે 10 વર્ષ સુધી તેને કશું થવું ન જોઈએ. પરંતુ આપણે એક તરફ બ્રિજ પર તાજેતરમાં કામ પૂર્ણ કર્યું તમે ફતેગંજની બન્ને બાજુ પરથી જો તમે પસાર થશો તો હાલ થયેલ કામગીરી અને અગાઉના બ્રિજમાં તમને ખાસ કોઈ ફરક લાગશે નહીં. જો હકીકતમાં ફતેગંજ બ્રિજમાં મરામતની જરૂર હોય તો તેનું સ્ટ્રકચર ખરાબ હતું કે કેમ? એનું આપણે એન્જિનિયરને પૂછવું જોઈએ. તેવી જ રીતે અકોટા-દાંડિયા બજાર બ્રિજને આરસીસીથી બનાવ્યાને દસ વર્ષ થયા છે. જાણવા મળ્યા મુજબ એ બ્રિજને ઓછામાં ઓછા 15 વર્ષ કશું ના થવું જોઈએ. આપણે બ્રિજના આરસીસી પર પાણી રેડીએ અને તે નીચે ઉતરી જાય તો કદાચ તેના સ્ટ્રક્ચરમાં ખામી હોઈ શકે. તેના સ્ટ્રક્ચરમાં જ ખામી હોય તો આપણે બ્રિજ પાછળ કરેલ ખર્ચ અંગે ઈજારદાર સામે કાર્યવાહી કરવી જોઈએ.
Courtesy: Gujarat Samachar