વડોદરા: વરસાદી ગટરની અધુરી કામગીરી પૂરી નહીં થાય તો વોર્ડ 13માં એક માળ સુધી પાણી ભરાશે
Updated: Mar 27th, 2025
વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ભરાવો ન થાય તે માટે વિશ્વામિત્રી નદી તળાવો તેમજ વરસાદી કાંસોની કામગીરી ચાલુ કરવામાં આવી છે, પરંતુ વોર્ડ નં.13 વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે છેલ્લા એક વર્ષથી જે કામ શરૂ કરાયું છે તે ક્યારે પુરુ થશે એ સવાલ છે. વોર્ડ નંબર 13 વિસ્તારના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર દ્વારા આ મુદ્દો કોર્પોરેશનની સમગ્ર સભામાં તેમણે ફરી ઉઠાવ્યો હતો. તેમના કહેવા મુજબ લાલબાગથી વિશ્વામિત્રી નદી સુધી વરસાદી ગટરની ત્રણ તબક્કામાં કામગીરી કરવાની છે. જેમાંથી લાલબાગથી વિશ્વામિત્રી બ્રિજ સુધી કામ પૂર્ણ થયું છે. ત્યારબાદનું કામ અધૂરું છે. હજુ 35થી વધુ પાઇપો નાખવાનું બાકી છે. આ કામ અધૂરું રાખી દેવાયું છે, તે પૂર્ણ કરીને ત્રીજા તબક્કાનું કામ પણ ચોમાસા પહેલા પૂરું કરવામાં નહીં આવે તો ભારે વરસાદ તૂટી પડે તો તેવી સ્થિતિમાં લોકોના ઘરમાં એક એક માળ સુધી પાણી ભરાઈ જશે તે ભય છે.
લાલબાગ વિસ્તાર, કાશી વિશ્વનાથ, રાજસ્થંભ રાજરત્ન, એસઆરપી, કુંભારવાડા વગેરેમાં દર વર્ષે ચોમાસામાં પાણી ચાર પાંચ ફૂટ ભરાતા લોકોને ખૂબ નુકસાન થાય છે. આ સમસ્યાનો નિવેડો લાવવા માટે વરસાદી ગટરની કામગીરી ગયા વર્ષે શરૂ કરવામાં આવી હતી. વિશ્વામિત્રી બ્રિજ નીચે પાઇપોની કામગીરી અધુરી રહી છે, તેમાં 48 ઇંચ ડાયામીટરના જે પાઇપ નાખવામાં આવ્યા છે, તેમાંથી માત્ર 10 ટકા જગ્યા ખુલ્લી છે. બાકી બધામાં માટી અને સ્લજ ભરાઈ ગયું છે. જ્યાં પાઈપો ખુલ્લા છે ત્યાં ચેમ્બરો બનાવી નથી. રાજમહેલ તરફ જતી પાઇપ લાઇનનું કામ હાલ આગળ પ્લોટીંગ ની કામગીરીને લીધે બંધ કરાયું છે. ચોમાસા પહેલા આ કાર્ય પૂરું થઈ જાય તો જ વરસાદી ગટરનો ફાયદો થઈ શકે તેમ છે.
Courtesy: Gujarat Samachar