મહાપાલિકાએ વેરો નહીં ભરનાર 36 મિલકતની હરરાજીની કાર્યવાહી હાથ ધરી
Updated: Mar 29th, 2025
– વર્ષ દરમિયાન 2.08 લાખ કરદાતા પાસેથી રૂા. 165.25 કરોડની વેરા વસૂલાત
– 91 ચેક રિર્ટન કેસમાં ફોજદારી દાવો દાખલ કરતા 83 આસામીએ વેરો ભર્યોઃ વેરા આકારણીના 16 કોર્ટ કેસનો એક વર્ષ દરમિયાન નિકાલ
ભાવનગર મહાપાલિકાના ઘરવેરા વિભાગની નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં ૧લી એપ્રિલથી ૨૮ માર્ચ સુધીમાં કુલ ૨.૦૮ લાખ કરદાતાઓ પાસેથી કુલ રૂ. ૧૬૫.૨૫ કરોડની વિક્રમી વેરા વસુલાત થયેલ છે, જે ગત નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ ની સાપેક્ષમાં આશરે ૨૦ હજાર નવા કરદાતાઓનો તથા આવકમાં કુલ રૂપિયા ૫ાંચ કરોડનો વધારો થયો છે. ગત ડિસેમ્બર માસથી મિલ્કત વેરા વિભાગ સહિતના મહાનગરપાલિકાના ૩૮ વિભાગને સાંકળીને કુલ ૧૦,૫૦૧ મિલ્કતમાં માસ જપ્તીની કાર્યવાહીથી રૂ. ૨૭.૫૩ કરોડની આવક થઈ છે. ઘરવેરાની કાર્પેટ પદ્ધતિમાં આકર્ષક વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્ક્રીમ ૨.૦ (ઓડીઆઈએસ ૨.૦) માં કુલ ૧૧,૭૭૩ કરદાતાએ ભાગ લઈ રૂ. ૬.૩૩ કરોડનો વેરો ભરપાઈ કર્યો છે, જેમાં ગત વર્ષની ઓટીઆઈએસ ૧.૦ ની સાપેક્ષમાં આશરે ૭,૨૬૧ કરદાતા તથા આવકમાં કુલ રૂપિયા ૧.૮૨ કરોડનો વધારો થયો છે. આ ઓટીઆઈએસ ૨.૦ યોજનાને પૂર્ણ થવાને અંતિમ ત્રણ દિવસ જ બાકી હોય તેમજ શહેરના કરદાતાઓ આ યોજનાનો મહત્તમ લાભ લઈ શકે તે હેતુથી આગામી તા. ૩૦ તથા તા. ૩૧ માર્ચ-૨૦૨૫ની જાહેર રજાના દિવસોમાં ઘરવેરા વિભાગની કામગીરી રાબેતા મુજબ શરૂ રહેશે તથા કરદાતાઓ આ જાહેર રજાના દિવસોમાં પણ મિલ્કત વેરો ભરપાઇ કરી શકશે.
Courtesy: Gujarat Samachar