મારી બીમારીથી આ પગલું ભરું છું ચિઠ્ઠી લખી નર્સિંગના વિદ્યાર્થીનો આપઘાત
Updated: Mar 26th, 2025
વડોદરા, તા.26 શહેરના જૂના છાણીરોડ પરની એક સોસાયટીમાં નર્સિંગનો અભ્યાસ કરતા નવયુવાને પેટના દુઃખાવાની બીમારીથી કંટાળીને ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ પાવનપાર્ક સોસાયટીમાં રહેતા ૧૯ વર્ષના વિદ્યાર્થી શ્રેય સુનિલભાઇ ડાભીએ આજે બપોરે પોતાના ઘરની અંદરના દાદર પાસે ઓઢણીથી ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાને પગલે સોસાયટીમાં ઘર પાસે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા જ્યારે ફતેગંજ પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી. આત્મહત્યા પહેલાં શ્રેયે એક અંતિમ ચિઠ્ઠી લખી હતી જે પોલીસે કબજે કરી હતી. આ ચિઠ્ઠીમાં માતા અને પિતાને સંબોધીને લખ્યું હતું કે તમે કોઇપણ વ્યક્તિને દોષ ના આપતા, આ પગલું મેં મારી બીમારીના કારણે ભર્યું છે, આ માટે કોઇ જવાબદાર નથી, મારી બીમારીમાં મારુ દર્દ હું જ જાણું છું, મમ્મી પપ્પા ખુશ રહેજો.
પોલીસે જણાવ્યું હતું કે મૃતક શ્રેય ગોરવા વિસ્તારની એક ખાનગી કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરતો હતો તેના પિતા સેન્ટ જોસેફ સ્કૂલમાં શિક્ષક તેમજ માતા નર્સ તરીકે નોકરી કરે છે. શ્રેયે એક વર્ષ પહેલાં પેટની બીમારીના કારણે પિત્તાશયનું ઓપરેશન એક વર્ષ પહેલાં કર્યું હતું.
Courtesy: Gujarat Samachar