મોબાઈલ ફોનથી બાળકોને દૂર રાખોઃ વીડિયોગેમ્સ આક્રમકતા જન્માવે છે!
Updated: Mar 28th, 2025
મોબાઈલ ફોન અનિંદ્રા, એકલવાયાપણું અને ડિપ્રેશન લાવે છે : શેરીમાં રમાતી રમતોમાંથી મળતો નિર્દોષ આનંદ વીડિયો ગેમ્સમાં મળતો નથી : અભ્યાસમાં અરૂચિ અનુભવાતી હોવાનું તારણ
રાજકોટ, : મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ બાળકોના વિકાસમાં અવરોધરૂપ બને છે. મોબાઈલ ફોનમાં રમાતી વીડિયો ગેમ્સને લીધે શારિરિક અને માનસિક વિકાસને વિપરીત અસર થાય છે. તેવા અવલોકનો સાથે સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાાન ભવન દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં ઈરાદાપૂર્વક શરીરને નુકશાન પહોંચાડવાની ક્રિયા પાછળ વ્યક્તિનો ઈરાદો આત્મહત્યાનો નથી હોતો પરંતુ માનસિક તણાવનો સામનો કરવા માટે વ્યક્તિ આ પ્રકારની ક્રિયાને અનુસરતો હોવાનું જણાવાયું હતું.
સમાજમાં દિન-પ્રતિદિન નાના બાળકો દ્વારા મોબાઈલ ફોનનો ઉપયોગ વધતો જાય છે. જેની તેના શારીરિક અને માનસિક વિકાસ ઉપર પ્રબળ અસર જોવા મળે છે. તેમ જણાવી યુનિ.નાં મનોવિજ્ઞાાનના સંશોધકો દ્વારા રજુ કરવામાં આવેલાં તારણોમાં જણાવાયું હતું કે, મોબાઈલને લીધે બાળકોને પુરતી ઉંઘ થતી નથી. જેના કારણે માનસિક તાણ અનુભવાય છે. ચિંતા અને વ્યસન વધે છે. આક્રમકતા વધે છે. ભણવામાં અરૂચિ થાય છે. ધ્યાનનો અભાવ જોવા મળે છે. સમયનો ખોટો ઉપયોગ થાય છે. મોબાઈલને લીધે બાળકો મિત્રોથી એકલા પડી જાય છે. ચોરી અને ગુનાખોરીના દૂષણો વધે છે. તેની સામાજિક વર્તણુંકમાં ફેરફાર જોવા મળે છે. વિકૃત દ્રષ્ટિકોણ વિકસે છે.
Courtesy: Gujarat Samachar