મોદીએ કહ્યું- RSS અમર સંસ્કૃતિનું વટવૃક્ષ:સ્વયંસેવક માટે, સેવા એ જ જીવન છે; અમે દેવથી દેશ, રામથી રાષ્ટ્રનો મંત્ર લઈને ચાલી રહ્યા છીએ
વડાપ્રધાન મોદી રવિવારે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના હેડક્વાર્ટર કેશવ કુંજ પહોંચ્યા હતા. મોહન ભાગવત પણ તેમની સાથે છે. તેમણે RSSના સ્થાપક કેશવ બલિરામ હેડગેવાર અને બીજા સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકર (ગુરુજી)ના સ્મારક સ્મૃતિ મંદિરે પહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પછી તેઓ દીક્ષાભૂમિ ગયા અને બંધારણના નિર્માતા ડૉ.ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી. દીક્ષાભૂમિ RSS કાર્યાલયની નજીક છે. અહીં ડૉ.ભીમરાવ આંબેડકરે તેમના અનુયાયીઓને કહ્યું 1956માં બૌદ્ધ ધર્મ પણ અપનાવ્યો હતો. ગયા વર્ષે પીએમ મોદી અહીં પહોંચ્યા હતા અને ધ્યાન ધર્યું હતું.
PMએ માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરના નવા વિસ્તરણ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો. આ આઈ ઈન્સ્ટીટ્યુટ અને રિસર્ચ સેન્ટરનું નવું વિસ્તરણ છે, જે વર્ષ 2014માં ગોલવલકરની સ્મૃતિમાં સ્થપિત કરવામાં આવ્યું હતું. આ સેન્ટરમાં 250 બેડની હોસ્પિટલ, 14 બહારના દર્દી વિભાગ (OPD) અને 14 આધુનિક ઓપરેશન થિયેટરો હશે. આ દરમિયાન RSS વડા મોહન ભાગવત, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાજર રહ્યા.
2014માં વડા પ્રધાન બન્યા પછી મોદી પહેલી વાર આરએસએસ મુખ્યાલયની મુલાકાત લઈ રહ્યા છે. 12 વર્ષ પહેલાં (16 સપ્ટેમ્બર 2012), તેઓ ભૂતપૂર્વ આરએસએસ વડા કેએસ સુદર્શનના નિધન પર મુખ્યમંત્રી તરીકે આરએસએસ મુખ્યાલયમાં આવ્યા હતા.
મોદી છેલ્લે 16 જુલાઈ, 2013ના રોજ 2014ની લોકસભા ચૂંટણી માટેની બેઠકમાં હાજરી આપવા માટે મુખ્યાલયમાં આવ્યા હતા. આ પહેલી વાર હશે જ્યારે કોઈ વર્તમાન પ્રધાનમંત્રી RSS મુખ્યાલયની મુલાકાત લેશે.
Courtesy: Divya Bhaskar