‘ભાવનગરનાં ડોન છીએ’ તેમ કહી વેપારીને લૂંટી લેનાર ત્રણેય શખ્સને પોલીસે દબોચી લીધા
Updated: Mar 30th, 2025
– 3 શખ્સો વેપારીની કારનું બમ્પર પણ તોડી નાખ્યું હતું
– 6 દિવસ પહેલા સાંજના સમયે શહેરના મોતીબાગ જેવા ભરચક વિસ્તારમાં બનાવ બન્યો હતો
આ બનાવની પ્રાપ્ત થતી વિગત અનુસાર ભાવનગર શહેરના આંબાવાડી મેઘાણી સર્કલ વિસ્તારમાં રહેતા અને કુંભારવાડા ગઢેચી રોડ ખાતે ગાયત્રી પ્લાસ્ટિક કોર્પોરેશન નામનું પ્લાસ્ટીકનું કારખાનું ધરાવતા અને પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર એસોસિયેશનના પ્રમુખ, ડિસ્ટ્રીક્ટ ચેમ્બરના પ્રમુખ તરીકેની જવાબદારી વહન કરતા ભુપતરાય વિષ્ણુપ્રસાદ વ્યાસ ગત તા.૨૪ માર્ચ ૨૦૨૫ના રોજ સાંજના સમયે પોતાના કારખાનેથી પોતાની કાર નંબર જીજે.૦૪.સીજે.૫૯૫૦ લઈને ઘર તરફ જવા માટે નિકળ્યા હતા. દરમિયાનમાં મોતી બાગ ટાઉન હોલ નજીક ચાની કેબિન પાસે પાર્ક થયેલી કારની બાજુમાંથી તેમની કાર પસાર થઈ ત્યારે પાર્ક થયેલી કારમાં રહેલ શખ્સે ઇરાદાપૂર્વક આગળનો દરવાજો ખોલી ભુપતરાયની કાર સાથે અથડાવી દીધી હતી. જે બાદ ત્રણ અજાણ્યા શખ્સોએ વેપારીને ધમકાવી, મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કરી તથા કારમાંથી રોકડા રૂ.પાંચ હજારની લૂંટ કરી નાસી છૂટયા હતા. જે બનાવની ફરિયાદના આધારે નિલમબાગ પોલીસે સાહિલ અબ્દુલરજાકભાઈ મોભ (ઉ.વ ૨૧, રહે.વડવા નેરા), સાહિલ સાદીકભાઈ ગોરી (ઉ.વ ૨૦, રહે.વડવા નેરા), નિલરાજ કનુભાઈ વાઘેલા (ઉ.વ ૨૫, રહે.આખલોલ જકાતનાકા)ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Courtesy: Gujarat Samachar