ભાજપ રાજમાં ભેળસેળિયા બેફામ, 117 પકડાયા પણ સજા કોઈને નહીં, સરકારનું ઢીલું વલણ
Updated: Mar 27th, 2025
Food Adulteration In Gujarat: ગુજરાતમાં જાણે ભેળસેળિયાઓને મોકળુ મેદાન મળી રહ્યુ છે. જેના કારણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી શંકાના ઘેરામાં આવી છે. વિધાનસભા ગૃહમાં ખુદ ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ આ વાતને લઈને સરકારની આકરી ટીકા કરી હતી. ત્યારે વિધાનસભામાં સરકારે જ કબૂલાત કરી છે કે, ‘છેલ્લાં બે વર્ષમાં નકલી ઘી વેચતાં 117 ભેળસેળિયા પકડાયાં હતાં, પરંતુ કોઇને સજા થઈ નથી. આ જોતાં ભેળસેળિયા તત્ત્વો સામે સરકારની ઢીલાશભરી નીતિનો ખુલ્લી પડી છે.
ખાદ્યપદાર્થોમાં ખુલ્લેઆમ ભેળસેળ થઈ રહી છે
વિધાનસભા ગૃહમાં ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરીને લઈને ઊભરો ઠાલવ્યો હતો કે, આજે શું ખાવુ અને શું ન ખાવુ એ વાતને લઈને ગુજરાતની જનતા મૂંઝવણ અનુભવી રહી છે. ખાદ્યપદાર્થોમાં ખુલ્લેઆમ ભેળસેળ થઈ રહી છે. આ અગાઉ ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલે પણ આ મુદ્દો ઊઠાવી આક્ષેપ કર્યો હતો કે, માત્ર દરોડાના નાટક કરવામાં આવે છે, પરંતુ ભેળસેળિયાઓ સામે કોઈ કડક કાર્યવાહી થતી નથી.
Courtesy: Gujarat Samachar