પહલગામ આતંકી હુમલા પર સર્વદળીય બેઠક, રાહુલ ગાંધીએ કહ્યું- ‘સરકારને અમારો પૂરો સપોર્ટ’
Updated: Apr 24th, 2025
GS TEAM
Pahalgam Terrorist Attack: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને કેન્દ્ર સરકારે કેટલાક મહત્ત્વના પગલાં ભર્યા છે. બુધવારે પાકિસ્તાન વિરૂદ્ધ પાંચ મોટા નિર્ણયો લીધા બાદ હવે આજ ગુરૂવારે વિદેશ મંત્રી એસ. જયશંકર અને ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. આ ઉચ્ચસ્તરીય બેઠક સુરક્ષા સ્થિતિની ગંભીરતા અને આગામી રણનીતિઓ પર ચર્ચાને ધ્યાને રાખતા મહત્ત્વની મનાઈ રહી છે. ત્યારબાદ આજે સાંજે સર્વદળીય બેઠક બોલાવાઈ હતી. જેની અધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કરી હતી.
સર્વદળીય બેઠકમાં અમિત શાહ, એસ. જયશંકર, કિરેન રિજિજૂ, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, જેપી નડ્ડા, સપાના રામગોપાલ યાદવ, બીજૂ જનતા દળના સસ્મિત પત્રા, ડીએમકેના ત્રિચી શિવા, આપના સંજય સિંહ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. આ સાથે કેન્દ્રીય ગૃહ સચિવ, કેન્દ્રીય સંસદીય કાર્ય સચિવ, આઈબી ડાયરેક્ટર પણ હાજર રહ્યા. સર્વદળીય બેઠકમાં પહલગામ ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા બે મિનિટનું મૌન પળાયું હતું.
Source: Gujarat Samachar | Language: Gujarati