પોરબંદર જિલ્લાના 40થી વધુ સરપંચ, તલાટીઓને નોટિસ ફટકારવામાં આવી
Updated: Mar 28th, 2025
ગૌચરમાંથી દબાણો દૂર કરવાની કામગીરી ન કરાતાં : ફરજમાં ચૂક જણાશે તો નિયમોનુસાર થશે કાર્યવાહી
પોરબંદર,: પોરબંદર જિલ્લામાં ગૌચરની જમીન પરનાં દબાણો દૂર કરવા સૂચના અપાઇ હોવા છતાં અનેક ગામના તલાટી મંત્રી અને સરપંચોએ કાર્યવાહી કરી નહીં હોવાથી 40 જેટલા ગામમાં તાલુકા પંચાયત દ્વારા સરપંચ અને તલાટી મંત્રીઓને નોટિસ આપવામાં આવી છે અને ફરજમાં ચૂક રાખવામાં આવશે તો નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરાશે. પોરબંદરનાં દરિયાઈ પટ્ટાના ગ્રામ પંચાયતોનાં મોટા ગૌચર જમીન ઉપર દબાણ કરવામાં આવ્યા છે અને મોટાભાગના દરિયાઈ પટ્ટીને ગ્રામ પંચાયતોમાં ઠેર ઠેર ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમી રહી છે તે પણ સાબિત અસંખ્ય વખત થઇ આવ્યું હતું. વારંવાર રજૂઆતો બાદ જિલ્લા તંત્ર હરકતમાં આવ્યું હતું અને ગાંધીનગરથી આદેશ આવતા વધુ કાર્યવાહી કરવા આદેશ થયા હતાં. તેથી જિલ્લા તંત્ર વધુ કડક થતા સરપચો અને તલાટી મંત્રીઓમાં સોપો પડી ગયો હતો. ૪૦થી વધુ સરપંચો અને તલાટી મંત્રીઓ પર ગાળીયો કસાયો છે.
પોરબંદર તાલુકા પંચાયત કાર્યાલય ખાતેથી તાલુકા અધિકારીએ જુદા જુદા ગામના સરપંચ, વહીવટદાર અને તલાટી મંત્રીને નોટિસ મોકલીને દબાણ દૂર કરવા જણાવ્યું છે તેમાં ગ્રામ પંચાયત ઓડદર, કુછડી, કડછ, શીશલી, આંબારામા, કાટવાણા, સીમાણી, પાંડાવદર, રાતડી, બરડીયા, શ્રીનગર, ભડ, શીંગડા, વિંઝરાણા, બાવળવાવ, ગોઢાણા, ઇશ્વરિયા, વડાળા, રોજીવાડા, ગોરસર-મોચા, મીયાણી, ભાવપરા, ભોમીયાવદર, ભેટકડી, અડવાણા, મંડેર, પાતા, કોલીખડા, બળેજ, પારાવાડા, સીમર, ગોસા, રાતીયા, ઉંટડા, ચિકાસા, કુણવદર, મોરાણા, ટુકડા ગોસા, ફટામા અને સોઢાણા ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે.
Courtesy: Gujarat Samachar