પાદરાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની લોન લઈને ભરપાઈ ન કરનાર વડોદરાના પ્રોપરાઇટર સહિત ત્રણ સામે ફરિયાદ
Updated: Mar 28th, 2025
Vadodara : વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા પાદરાની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી વર્ષ 2022માં સ્ટોક મોર્ગેજ કરીને 11,55,000ની લોન લીધી હતી. તે માટે બેંકમાં રજૂ કરેલા ડોક્યુમેન્ટની તપાસણી કર્યા વગર ડેપ્યુટી મેનેજર અને મેનેજરે લોન પાસ કરી હતી. બાદ સ્ટોકને બારોબાર સગેવગે કરી દેવાયો હતો. આ બાબત બેંક ઓડિટમાં બહાર આવતા બેંક મેનેજર, ડેપ્યુટી બેંક મેનેજર અને પ્રોપરાઇટર મળી ત્રણ સામે પાદરા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના અને હાલ શહેરના ન્યુ વીઆઇપી રોડ પર વૈકુંઠ બેમાં રહેતા અને પાદરાની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બ્રાન્ચ મેનેજર તરીકે કાર્યરત 47 વર્ષના દિલીપ બાબરભાઈ બામણિયાએ પાદરા પોલીસમાં નોંધાવ્યું હતું કે વડોદરાના કારેલીબાગ આનંદનગરમાં રહેતા પ્રવિણસિંગ હરીસિંગ રાજપુત મેસર હરિઓમ એન્ટરપ્રાઇઝ નામથી વ્યવસાય કરે તેઓએ વર્ષ 2022 ના જૂન માસમાં પાદરા ચોકસી બજારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાંથી કુલ રૂ11,55,000ની લોન લીધી હતી. આ લોન માટે તેઓએ પોતાનો સ્ટોક મોર્ગેજમાં મૂક્યો હતો. બેંકની જાણ બહાર મોર્ગેજમાં મુકેલો સ્ટોક ગરવલ્લે કર્યો હતો. તેને કારણે બેંકને આર્થિક નુકસાન થયું છે. બેન્ક ઓથોરીટી દ્વારા તપાસણી દરમ્યાન આ વિગત જાણવા મળી હતી. ઉપરાંત એ પણ પ્રકાશમાં આવ્યું હતું કે પ્રવીણ રાજપૂતે લોન લેતી વખતે જે ડોક્યમન્ટ બેંકમાં રજૂ કર્યા હતા તેને ડેપ્યુટી બ્રાન્ચ મેનેજર સુપ્રભાત કુમારે યોગ્ય ખરાઈ કરી ન હતી. સાથે ઈન્સ્પેક્શન કર્યા વગર લોન મંજૂર કરવાનો અભિપ્રાય આપ્યો હતો. બેંક મેનેજર સુનીલકુમાર જે સિંહાએ પણ કોઈપણ જાતની તપાસણી કરી ન હતી અને લોન મંજૂર કરી દીધી હતી. તેથી બંને ફરજ ચુક્યા છે અને આરોપી પ્રવીણ સાથે મિલી ભગત હોવાનું બહાર આવતા ત્રણેય સામે પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
આરોપીઓના નામ: 1) પ્રવિણસિંહ હરિસિંગ રાજપૂત (મેસર હરિઓમ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર) 2) સુપ્રભાત ચોકસી (ડેપ્યુટી બેંક મેનેજર), 3) સુનીલકુમાર જે સિંહા (બેંક મેનેજર)
Courtesy: Gujarat Samachar