પંચમહાલમાં પ્રેમી ભૂવાએ કરી પ્રેમિકાની હત્યા, સાયકલના બ્રેક વાયરથી પરિણીતાને આપ્યો ફાંસો, આરોપીની ધરપકડ
Updated: Mar 28th, 2025
Panchmahal News : ગુજરાતના પંચમહાલના શહેરાના ડુમેલાવ ગામના જંગલમાંથી પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રેમીએ જ પરણિત પ્રેમિકાની હત્યા કરી હતી. પોલીસને ઘટનાસ્થળે મૃતદેહ પાસેથી શ્રીફળ અને ફૂલ મળ્યા હોવાથી શંકાના આધારે ભૂવાની પૂછપરછ કરાતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો. સમગ્ર મામલે પોલીસ આરોપી પ્રેમી ભૂવાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રેમીએ પરણિત પ્રેમિકાની કરી હતી
નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, ‘પંચમહાલના શહેરા તાલુકાના શહેરાના ડુમેલાવ ગામના જંગલમાંથી પરણિતાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળે મૃતદેહ પાસેથી શ્રીફળ અને ફૂલ મળી આવતા પોલીસે શંકાના આધારે માતરિયા ગામના ભૂવાની પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો. જેમાં પ્રેમી ભૂવાએ જ પરણિતાની હત્યા કરી હોવાનું સામે આવ્યુ હતું. પરણિતા પ્રેમી સાથે રહેવા માંગતી હતી, જે વાત પ્રેમીને સ્વીકાર્ય ન હોવાથી સાયકલના બ્રેક વાયરથી પ્રેમિકાના ગળાના ભાગે ફાંસો આપી ગંભીર ઈજાઓ પહોંચાડીને હત્યા નીપજાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.’
Courtesy: Gujarat Samachar