નાના કપાયામાં અજાણી યુવતી અને ગજોડ પાસે ભુજના યુવકની આત્મહત્યા કે, હત્યા ભેદ હજુ અકબંધ
Updated: Mar 30th, 2025
એફએસએલમાંથી બન્ને કેસોના હજુ સુધી રિપોર્ટ નથી
બન્ને ભેદી ઘટના પાછળનો મદાર એફએસએલ રિપોર્ટ પર અટ્કયો છે
ગત ૧૩ ફેબ્રુઆરીના સવારે નાના કપાયા ગામે ગટરના નાલામાંથી અંદાજે ૨૫ વર્ષની અજાણી યુવતીની ગળામાં કસીને કપડું બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. યુવતીના હાથ પર જ્યોતિ અને કનૈયા લખેલું જોવા મળ્યું હતું. પોલીસના અથાગ પ્રયત્નો છતાં યુવતીની ઓળખ અને તેણીએ આપઘાત કર્યો છે. કે, તેની હત્યા કરીને ફેંકી દેવાઇ છે. તે બાબતે મુંદરા પોલીસ જાણી શકી નથી યુવતીનું શરીર ફુગી ગયેલું હોઇ ઘટના પાછળનું કારણ જાણવા એફએસએલમાં વીસેરા મોકલવામાં આવ્યા હતા. પરંતુ આ ઘટનાને ૪૦ દિવસથી ઉપરનો સમય થઇ ગયો હોવા છતાં એફએસએલમાંથી રિપોર્ટ આવ્યો નથી જેને કારણે પોલીસ યુવતીના મોત પાછળનું કારણ જાણી શકી નથી. એ જ રીતે ચાર દિવસ પહેલા મુંદરાના ગજોડ ડેમ પાસેથી યુવકની ભેદી સંજોગોમાં લોહિલૂહાણ હાલતમાં લાશ મળી આવી હતી. એ ઘટનામાં પ્રાગપર પોલીસે આપઘાત કે, હત્યા અંગેનું કારણ જાણવા એફએસએલમાં વીસેરા મોકલ્યા છે. પણ હજુ સુધી રિપોર્ટ આવ્યો નથી જેને કારણે યુવકનું મોત કઇ રીતે થયું તે હજુ સુધી પ્રાગપર પોલીસ જાણી શકી નથી.
Courtesy: Gujarat Samachar