નક્લી અધિકારીએ મેડિકલમાં પ્રવેશ અને નોકરી અપાવી દેવાનું કહી 48 લાખ પડાવ્યા
Updated: Mar 28th, 2025
ખંભાળિયામાં કાર ઉપર ખોટી નેઇમ પ્લેટ અને લાલ લાઇટ લગાવી ફરતા પકડાયેલા સામે 8 ગુના નોંધાયા : રીમાન્ડ દરમિયાન આરોપી જીલ પંચમતીયા પાસેથી સરકારી અધિકારીઓના નક્લી આઇકાર્ડ અને બોગસ ઓથોરીટી લેટર મળ્યા : મકાનમાંથી પિસ્તોલ મળી
જામખંભાળિયા, : ખંભાળિયામાં ઉચ્ચ અધિકારીના હોદાની પ્લેટ સાથે ફરતી મોટરકારને પોલીસે શંકાના આધારે ઝડપી લઇ, આ પ્રકરણના માસ્ટર માઈન્ડ એવા જીલ ભરતભાઈ પંચમતીયાની ધરપકડ બાદ રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારી સિલસિલાબંધ વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં આરોપી દ્વારા વિવિધ સરકારી હોદાઓ ધરાવતો હોવાનું જણાવી બોગસ નંબર પ્લેટ, ઓળખ કાર્ડ, લેટરપેડ સાથેનું સાહિત્ય પોલીસે કબજે કર્યું છે. આ ઉપરાંત ચીટર શખ્સ દ્વારા રાજકોટ ખાતે રહેતા એક વિપ્ર પરિવારને વિશ્વાસમાં લઈ, આશરે રૂપિયા અડધા કરોડ જેટલી રકમનું ફ્રોડ કર્યાનું પણ વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણમાં આરોપી જીલ પંચમતીયા સામે કુલ 8 FIR એફ.આઈ.આર. નોંધાઈ છે.
ખંભાળિયા સાથે સમગ્ર જિલ્લામાં ખાસ કરીને સરકારી કચેરીઓમાં ચર્ચાસ્પદ બની ગયેલા આ પ્રકરણની સિલસિલાબંધ વિગત મુજબ ખંભાળિયાના રામનાથ સોસાયટી વિસ્તારમાં રહેતો જીલ ભરતભાઈ પંચમતીયા નામના શખ્સ દ્વારા પોતાની ટેક્સી પાસિંગની મારૂતિ સુઝુકી સેલેરિયો કાર નંબર GJ-03-KP 9113 માં આગળની તરફ લગાવવામાં આવેલા બોર્ડમાં એડિશનલ કલેકટર એન્ડ એડિશનલ ડીસ્ટ્રીક મેજિસ્ટ્રેટ ડીસ્ટ્રીક મેજિસ્ટ્રેટ (એડીએમ) (પ્રોબેશન)ની પ્લેટ લગાવવામાં આવી હતી. આ ઉપરાંત પાછળની બાજુ લાલ કલરની રેડિયમ સ્ટીકર સાથેની પ્લેટમાં આર.એસ.સી એન્ડ એ.ડી.એમ. (પ્રોબેશન) સાથેની પોતાની પ્લેટવાળી આકાર સંદર્ભે પોલીસ તપાસમાં ઉપરોક્ત શખ્સ દ્વારા પોતાની પાસે કોઈપણ પ્રકારનો સરકારી હોદ્દો ન હોવા છતાં પણ આ રીતે પોતાના વાહનમાં ક્લાસ વન કક્ષાના અધિકારીના હોદ્દાની પ્લેટ તેમજ ઉપર લાલ લાઈટ લગાવતા પોલીસે આ પ્રકરણમાં ગત તારીખ 22 ના રોજ ધોરણસર ગુનો નોંધી, તેની અટકાયત કરી હતી. જેમાં પોલીસે તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આરોપી જીલ પંચમતીયાના રિમાન્ડ તેમજ તેના રહેણાંક મકાનની ઝડતી તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો પોલીસને ધ્યાને આવી હતી.
Courtesy: Gujarat Samachar