ધારાસભ્યોની ગ્રાન્ટ દોઢ કરોડથી 5 કરોડ થવાની શક્યતા, વિધાનસભામાં નાણામંત્રીએ આપ્યા સંકેત
Updated: Mar 26th, 2025
Gandhinagar News : રાજ્યમાં ધારાસભ્યોની ગ્રાન્ટ-ભથ્થામાં આગામી સમયમાં વધારો થવાની શક્યતા છે. ગાંધીનગરમાં અંદાજપત્ર પર વિભાગવાર માંગણીઓ પરની ચર્ચાના અંતે નાણાં મંત્રી પાસે વિપક્ષે, ધારાસભ્યોને મળતી ગ્રાન્ટ અને ભથ્થામાં વધારો કરવાની માંગણી કરી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાએ ધારાસભ્યોના પગારમાં વધારો કરવાની માંગ કરી હોવાનું સામે આવ્યું છે. આ સાથે ધારાસભ્ય ફંડમાં વધારો કરવા તુષાર ચૌધરીએ માંગ કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ધારાસભ્યોને મળતી ગ્રાન્ટ 1.5 કરોડથી વધારીને 5 કરોડ કરાશે તેવું નાણાં મંત્રીએ જણાવ્યું હતું. તેમજ ધારસભ્યોની ગ્રાન્ટમાં વધારાને લઈને નાણાં મંત્રીએ મુખ્યમંત્રી સાથે ચર્ચા થઈ હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો: ગાંધીનગરમાં આંદોલન કરતા વ્યાયામ વીરો-પોલીસ વચ્ચે ઘર્ષણ, ઢસડી-ટિંગાટોળી કરી વેનમાં નાખ્યા
ધારાસભ્યને મળતા ફંડની રકમમાં વધારો કરવા અંગે નાણાં મંત્રીએ ખાતરી આપી હતી. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ધારાસભ્યોને મળતા ફંડમાં વધારો કરવાને લઈને મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જો કે, આ મામલે આગામી સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
Courtesy: Gujarat Samachar