ધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામની સીમ વિસ્તારમાં તળાવમાંથી ગેરકાયદે ખનીજ ચોરીનું મસ મોટું કૌભાંડ પકડાયું
Updated: Mar 30th, 2025
જામનગર નજીક ધ્રાંગડા ગામમાં આવેલા તળાવમાંથી ગેરકાયદે રીતે ખનીજ ચોરી કરવામાં આવી રહી હોવાનું કારસ્તાન પંચકોશી એ. ડિવિઝન પોલીસને ધ્યાનમાં આવ્યું હતું, અને દરોડો પાડી ખનીજ ચોરોને પકડી લીધા હતા, અને 8 ટ્રેક્ટર તેમજ બે જેસીબી મશીન સહિતના વાહનો જપ્ત કરી લઈ ખાણ ખનીજ વિભાગને સુપ્રત કરી દીધા છે. પોલીસની આ કાર્યવાહીને લઈને ખનીજ ચોરોમાં નાસભાગ થઈ હતી.
પંચકોષી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર નજીક ધ્રાંગડા ગામની સીમ વિસ્તારમાં આવેલા તળાવમાંથી ગેરકાયદે રીતે રેતી તથા માટીનું ખનન કરી રહ્યા છે, અને જેસીબી મશીનથી માટી કાઢીને અલગ અલગ ટ્રેકટર સહિતના વાહનમાં રેતી ની ચોરી કરીને લઈ જવામાં આવી રહી છે, જે બાતમીના આધારે ગઈ કાલે પંચકોશી એ. ડિવિઝનની પોલીસ ટુકડીએ દરોડો પાડયો હતો.
જે દરોડા દરમિયાન દશેક જેટલા શખ્સો એકત્ર થઈને બે જેસીબીની મદદથી ગેરકાયદે રેતીનું ખનન કરી રહ્યા હતા, અને ટ્રેક્ટરમાં ઠાલવી રહ્યા હતા. પોલીસે જ્યારે દરોડો પાડ્યો, ત્યારે ત્રણ ટ્રેક્ટર રેતી ભરેલા જોવા મળ્યા હતા, જ્યારે અન્ય પાંચ ટ્રેકટરોમાં રેતી ભરવા માટેની પ્રક્રિયાઓ ચાલી રહી હતી. ઉપરોક્ત બાબતે લીઝના કાગળો માંગતાં તમામ પાસે કોઈ પણ પ્રકારની મંજૂરી હતી નહીં, અને ગેરકાયદેસર રીતે માટી કાઢવાનું કામ કરી રહ્યા હતા, જેથી આ ટ્રેક્ટર અને બે જેસીબી મશીન વગેરે જપ્ત કરી લેવાયા હતા, તેથી ખાણ ખનીજ વિભાગની ટીમ આગળની કાર્યવાહી ચલાવી રહી છે.
Courtesy: Gujarat Samachar