દ્વારકાના દરિયામાં સંશોધન, પુરાતત્ત્વ વિભાગની ટીમમાં ત્રણ મહિલા ડાઈવર્સ પણ ખૂંદી રહી છે સમુદ્ર
Updated: Mar 27th, 2025
Dwarka News : ગુજરાતના દ્વારકા અને બેટ દ્વારકાના દરિયામાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણની અંડરવોટર આર્કિયોલોજી વિંગ (UAW) દ્વારા સંશોધન હાથ ધરવામાં આવ્યું છે. પુરાતત્ત્વ વિભાગની ટીમમાં ત્રણ મહિલા ડાઈવર્સ પણ સમુદ્ર ખૂંદી રહી છે, ત્યારે પુરાતત્ત્વની ટીમ દ્વારા દરિયામાં ડૂબી ગયેલા પુરાતત્ત્વીય અવશેષોની શોધ, દસ્તાવેજ અને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
દ્વારકાના દરિયામાં સંશોધન કાર્ય હાથ ધરવામાં આવ્યું
ઐતિહાસિક, પુરાતત્ત્વીય અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી દ્વારકા એક મહત્ત્વપૂર્ણ સ્થળ રહ્યું છે, ત્યારે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના અધિક મહાનિર્દેશક પ્રો. આલોક ત્રિપાઠીના નિર્દેશન હેઠળ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI)ની અંડરવોટર આર્કિયોલોજી વિંગ (UAW)એ દ્વારકા અને બેટ દ્વારકા ખાતે દરિયામાં સંશોધન કાર્ય હાથ ધર્યું છે. જેમાં દેશના વિવિધ ભાગોમાંથી પસંદ કરાયેલા 9 પુરાતત્ત્વવિદોનું જૂથ ચાલી રહેલી તપાસમાં ભાગ લઈ રહ્યું છે. અંડરવોટર આર્કિયોલોજી વિંગની પ્રવૃત્તિઓનો ખર્ચ કરવા માટે તેઓને પાણીની અંદર પુરાતત્ત્વના ક્ષેત્રમાં પણ તાલીમ આપવામાં આવી રહી છે.
Courtesy: Gujarat Samachar