Grahak Chetna

"Your Voice, Your Power!"

જામનગર નજીક ગઈ રાત્રે ટ્રકનું ટાયર ફાટતાં સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલકનો ભોગ લેવાયો

Spread the love

Updated: Mar 28th, 2025

Jamnagar Accident : જામનગર નજીક મોરકંડા રોડ પર ગઈકાલે રાત્રે એક ટ્રકનું ટાયર ફાટતાં સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં ટ્રક ચાલકનો ભોગ લેવાયો છે. ફંગોડાઈ રહેલા ટ્રકમાંથી કૂદકો મારીને નીચે ઉતરી રહેલા ટ્રક ડ્રાઇવર પર પાછલા વ્હીલનો જોટો ફરી વળતાં તેનું અંતરીયાળ કરુણ મૃત્યુ નીપજ્યું છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
આ વિચિત્ર અકસ્માતના બનાવની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર તાલુકાના દેવપરા ગામનો વતની અને ટ્રક ડ્રાઇવિંગ કરતો કેશુભા પોલાભા માણેક નામનો 40 વર્ષનો હિંદુ વાઘેર યુવાન કે જે ગઈકાલે પોતાનો જીજે 37 ટી 6945 નંબરનો ટ્રક લઈને તેમાં અનાજનો જથ્થો ભરીને લાલપુર બાયપાસથી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો.
જે દરમિયાન રાત્રિના 11.00 વાગ્યાના અરસામાં મોરકંડા ગામના પાટીયા પાસે એકાએક ટ્રકનું ટાયર ફાટ્યું હતું, અને ચાલુ ટ્રક માર્ગ પર ફંગોળવા લાગ્યો હતો. જેથી તેમાંથી બચવા માટે ટ્રકનો ડ્રાઇવર કેશુભા માણેક કે જેણે કૂદકો મારી દીધો હતો, પરંતુ દુર્ભાગ્યવશ ટ્રકના જોટાની નીચે આવી ગયો હતો, અને ટ્રકનો જોટો તેના ઉપરથી ફરી વળ્યો હતો, અને રોડથી નીચે ઉતરીને ટ્રક ખાંગો બની ગયો હતો. જે અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

Courtesy: Gujarat Samachar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *