જામનગરમાં સાત રસ્તા સર્કલથી ખોડીયાર મંદિર સુધીના માર્ગે ગેરકાયદે કેનાલ પર ખડકાઈ ગયેલા 46 થી વધુ ઝૂંપડાઓ હટાવવા કાર્યવાહી
Updated: Mar 28th, 2025
Jamnagar : જામનગરમાં સાત રસ્તા સર્કલથી ખોડીયાર મંદિર તરફ લાખોટા તળાવમાંથી ઓવરફલો થઈને નીકળી રહેલી પાણીની મોટી કેનાલ આવેલી છે, જે કેનાલ ઉપર લાંબા સમયથી મોટાપાયે દબાણ સર્જાયું હતું, અને સંખ્યાબંધ ઝુપડાઓ ખડકાઈ ગયા હતા.
જેને દૂર કરવા માટે આજે મહાનગર પાલિકા દ્વારા મેગા ડીમોલેશન કરવામાં આવ્યું હતું. એસ્ટેટ શાખાની મોટી ટુકડી આજે ભારે પોલીસ બંદોબસ્ત સાથે સાત રસ્તા સર્કલ પર પહોંચી હતી, અને વહેલી સવારથી કેનાલની ઉપર ખડકી દેવામાં આવેલા ગેરકાયદે ઝુંપડાઓને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને તમામ ઝુપડાવાળાઓને તાત્કાલિક અસરથી પોતાના ઝુંપડા ખોલી નાખી માલ સમાન લઈ જવા માટે ની તાકીદ કરવામાં આવી હતી.
જોકે પોલીસ બંદોબસ્ત સજ્જડ હોવાથી કોઈ ઘર્ષણની પરિસ્થિતિ થઈ ન હતી, પરંતુ જગ્યા ખાલી કરવા માટે દેકારો કરવામાં આવી રહ્યો હતો. જેઓને કોઈ મચક આપવામાં આવી ન હતી, એસ્ટેટ શાખાની ટુકડીએ અંદાજે 46 જેટલા ઝુપડાઓને હટાવી લેવાની અને કેનાલની જગ્યા ખુલ્લી કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. જેથી ઉપરોક્ત વિસ્તારમાં વહેલી સવારથી જ દોડધામ જોવા મળી હતી.
Courtesy: Gujarat Samachar