જામનગરમાં ખાણીપીણીના પાંચ ધંધાર્થીઓ અને એક ફાઇનાન્સર વચ્ચે પાણી ઢોળવા તેમજ ટેબલ ગોઠવવા બાબતે બબાલ
Updated: Mar 29th, 2025
Jamnagar Crime : જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં આવેલા ગેલેરીયા કોમ્પલેક્સમાં જુદા-જુદા પાંચ જેટલા ધંધાર્થીઓ સાથે તેજ બિલ્ડીંગમાં ઉપર ફાઇનાન્સની ઓફિસ ધરાવતા એક ફાઇનાન્સર સાથે પાણી ઢોળવા, ટેબલ ગોઠવવા જેવી બાબતોમાં તકરાર થઈ હતી, અને પાંચેય ખાણીપીણીના ધંધાર્થીઓ દ્વારા ફાઇનાન્સર સામે ધાકધમકી આપવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર ત્રણમાં ગેલેરીયા કોમ્પ્લેક્સમાં પૂનમ ઢોસા નામથી રેસ્ટોરન્ટ ચલાવતા પી.રાજા મણિકમ પેરુમલ નામના પરપ્રાંતિય વેપારીએ જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં સંજયસિંહ ચુડાસમા નામના ફાયનાન્સર સામે પોતાને ધાક ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં પાણી ઢોળવાના પ્રશ્ને પોતાની સાથે બબાલ કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.
આ ઉપરાંત તે જ કોમ્પ્લેક્સમાં વી.ડેનિયલ ક્રિશ્ચિયન નામના પેંગવીન ઢોસાના સંચાલક 70 વર્ષના ધંધાર્થી, ઉપરાંત ભવાની રેસ્ટોરન્ટના સંચાલક કેતનકુમાર રમેશચંદ્ર રાયચા, સંતોષી દાબેલી રેસ્ટોરન્ટના સંચાલક રાહુલભાઈ રમેશભાઈ સરવૈયા, ઉપરાંત પંજાબી ચાઈનીઝ રેસ્ટોરન્ટના સંચાલક રાજુભાઈ ભાનુભાઈ પાઠક વગેરે તમામ દ્વારા તેજ કોમ્પલેક્ષમાં ઉપરના માળે ફાઇનાન્સની ઓફિસ ધરાવતા સંજય સિંહ ચુડાસમા વિરુદ્ધ ધાક ધમકી આપ્યાની ફરિયાદ સીટી બી.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
Courtesy: Gujarat Samachar