છ લાખના ધિરાણની સામે ૩૦ લાખ વસુલ્યા બાદ પણ મુડીની માંગણી કરી
Updated: Mar 27th, 2025
અમદાવાદ,ગુરૂવાર
શહેરના મેઘાણીનગરમાં રહેતા એક વ્યક્તિએ બિમારીની સારવાર માટે એક વ્યાજખોર પાસેથી ટુકડે ટુકડે છ લાખ રૂપિયા લીધા હતા. જેની સામે તેણે અલગ અલગ સમયે ૨૯.૭૦ લાખની ચુકવણી કરી હોવા છતાંય, વ્યાજખોરે છ લાખની રકમ બાકી હોવાનું કહીને નાણાંની માંગણી કરીને ધમકી આપી હતી. આ અંગે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે બેદરકારી દાખવીને આરોપી વ્યાજખોર પાસેથી ફરિયાદીએ આપેલો ચેક પરત લીધો નહોતો. જે બેેંકમાં જમા કરાવીને બેંકમાંથી પરત કરાવીને ફરિયાદીને ગુનામાં ફસાવી દેવાની નોટીસ મોકલીને ધમકી આપી હતી.
મેઘાણીનગરમાં આવેલી ગોકુલચંદ કસ્તુરચંદની ચાલીમાં રહેતા આશિષ તિવારી કાલુપુર શાક માર્કેટમાં વ્યવસાય કરે છે. વર્ષ ૨૦૨૧માં આશિષ તિવારીના પિતાને લીવરમાં સોજો હોવાથી તેમની જ ચાલીમાં રહેતા અજીત તોમર પાસેથી પાંચ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. ત્યારબાદ ૨૦૨૩ દરમિયાન આશિષભાઇએ છ લાખ રૂપિયા લીધા હતા. જેની સામે ૨૯.૭૦ લાખ રૂપિયાની રકમ જમા કરાવી હતી. તેમજ આશિષભાઇની બે વિશીના નાણાં પણ પોતાની પાસે ગણાવી લીધા હતા. જો કે ૩૦ જેટલી રકમ આપી હોવા છતાંય, અજીત તોમર છ લાખની માંગણી કરતો હતો અને જો નાણાં ન હોય તો મકાન લખાવી લેવાની ધમકી આપતો હતો. તેણે છ લાખની સામે યુનિયન બેંકના બે ચેક પણ લીધા હતા. જે અંગે મેઘાણીનગર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.
Courtesy: Gujarat Samachar