ઘર-કંકાસે બાળકોના જીવ લીધા:યુપીમાં પિતાએ ધારિયાથી 4 બાળકોનાં ગળાં કાપી પોતે પણ ફાંસો ખાધો; ઝઘડા બાદ પત્ની પિયર જતી રહી હતી
યુપીના શાહજહાંપુરમાં એક પિતાએ ચાર બાળકોની ઊંઘમાં હત્યા કરી હતી. આ પછી પોતે પણ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. ઘટના સમયે પત્ની તેના પિયરમાં જતી રહી હતી. બાળકોની હત્યા એટલી ક્રૂરતાથી કરવામાં આવી હતી કે મૃતદેહો જોઈને પોલીસકર્મીઓ પણ હચમચી ઊઠ્યા હતા.
આખો રૂમ લોહીથી લથપથ હતો. 3 છોકરીઓ અને એક દીકરાના મૃતદેહ ખાટલા પર પડ્યા હતા. બધાનાં ગળાં કાપી નાખવામાં આવ્યાં હતાં. નજીકમાં જ ધારિયું પડ્યું હતું. પિતાનો મૃતદેહ એ જ રૂમમાં ફાંસી પર લટકતો હતો. આ ઘટના રોઝા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના માનપુર ચકરી ગોટિયા ગામમાં બની હતી.
એસપી સિટી દેવેન્દ્રસિંહે કહ્યું- પિતાનું નામ રાજીવકુમાર છે. પિતાએ તેની પુત્રીઓ સ્મૃતિ (12), કીર્તિ (9) અને પ્રગતિ (7) અને પુત્ર ઋષભ (11)ની ઊંઘમાં જ હત્યા કરી દીધી. પછી તેણે પણ આત્મહત્યા કરી. હત્યાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ફોરેન્સિક ટીમે રૂમમાં તપાસ કરી હતી.
ઘટના સમયે ઘરે ફક્ત પિતા અને ચાર બાળકો જ હતાં. રાજીવના પિતા પૃથ્વીરાજે પોલીસને જણાવ્યું કે તેઓ ઘરથી થોડે દૂર ખેતરમાં સૂતા હતા. ગુરુવારે સવારે 6 વાગ્યાની આસપાસ હું ઘરે પહોંચ્યો ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. મેં ઘણો સમય બૂમો પાડી, પણ દરવાજો ખૂલ્યો નહીં.
આ પછી પડોશીઓને બોલાવવામાં આવ્યા. જ્યારે હું દીવાલ કૂદીને અંદર ગયો, ત્યારે આખા રૂમમાં લોહી ફેલાયેલું હતું. ચારેય બાળકોના લોહીથી લથપથ મૃતદેહ ખાટલા પર પડ્યા હતા. જ્યારે રાજીવ ફાંસી પર લટકતો હતો. તેણે કહ્યું કે તેની પુત્રવધૂ એક દિવસ પહેલાં જ તેના પિયરમાં જતી રહી હતી.
Courtesy: Divya Bhaskar