ગાંધીનગરમાં PTના દાવ કરી વ્યાયામ શિક્ષકોએ દર્શાવ્યો વિરોધ, પોતાની માગ પર ખેલ સહાયકો અડગ
Updated: Mar 27th, 2025
Khel Sahayak Protest in Gandhinagar : ગાંધીનગરમાં છેલ્લા દસ દિવસથી વ્યાયામ શિક્ષકો કાયમી ભરતીની માગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વ્યાયામ વીરોનું કહેવું છે કે, રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. જેથી સરકારે કરાર આધારિત ભરતી બંધ કરીને કાયમી ધોરણે ભરતી કરવામાં આવે. ગાંધીનગરમાં ખેલ સહાયકોના વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે આજે ગુરુવારે (27 માર્ચ, 2025) પોતાની માગ સાથે અડગ રહેલા વ્યાયામ વીરોએ PTના દાવ કરીને વિરોધ નોંધાવ્યો હતો.
PTના દાવ કરીને વ્યાયામ વીરનો વિરોધ
ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી 500થી વધુ વ્યાયામ વીરો 11 મહિનાના કરાર આધારીત ખેલ સહાયકની ભરતી બંધ કરવા અને કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ સાથે આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગર ખાતે વ્યાયામ વીરો શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે ગઈકાલે બુધવારે (26 માર્ચ, 2025) વ્યાયામ શિક્ષકોએ વિધાનસભા તરફ આગેકૂચ કરતાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે આજે ગુરુવારે (27 માર્ચ, 2025) વ્યાયામ વીરોએ PTના દાવ કરીને વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ખેલ સહાયકોએ ‘કરાર પ્રથા બંધ કરો, વ્યાયામ શિક્ષકોની ભરતી કરો, હમારી માગે પૂરી કરો…’ના નારા લગાવીને કસરત અને PTના દાવ કરતાં જોવા મળ્યા હતા.
Courtesy: Gujarat Samachar