ગાંધીનગરમાં કલાકારોને માન અને કોરોના વોરિયર્સનું અપમાન, આરોગ્યકર્મીઓની હડતાળનો 11મો દિવસ
Updated: Mar 27th, 2025
Health Worker Protest : ગાંધીનગરમાં એક તરફ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. તો બીજી તરફ આરોગ્યકર્મીઓ અને વ્યાયામ શિક્ષકો પોતાની પડતર માંગોને લઈને આંદોલન કરી રહ્યા છે. આજે બંનેના આંદોલનને 11મો દિવસ છે. વિધાનસભા સત્રમાં કલાકારો માટે લાલ જાજમ પાથરી માન-સન્માન આપવામાં આવી રહ્યું છે, ત્યારે કોરોનાકાળમાં કોરોના વૉરિયર્સનું બિરુદ આપી સન્માન કર્યા બાદ સરકાર આરોગ્યકર્મીઓની હવે પડતર માંગો સ્વીકારવા માટે તૈયાર નથી.
સરકારે કડક વલણ અપનાવતાં 2000થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી પાણીચું પકડાવી દીધું છે. આ ઉપરાંત હજારો કર્મચારીઓને શો-કૉઝ નોટીસ ફટકારવામાં આવી છે, તો કેટલાક કર્મચારીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ આપી આંદોલન ડામવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી આરોગ્યકર્મી માંગણી માટે મક્કમ છે. આગેવાનો પાણીમાં ન બેસે તો આરોગ્ય કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે.
આંદોલન વધુ ઉગ્ર બનશે, એક હજાર સામે ખાતાકીય તપાસ
Courtesy: Gujarat Samachar