ગુજરાત પોલીસના 3 કર્મચારીનાં હરિયાણામાં અકસ્માતમાં મોત:સુનિલ ગામિતની સોમવારે બદલી થઈ’ને બુધવારે મોત મળ્યું, હોમગાર્ડ જવાનના ઘરની બાજુમાં લગ્નપ્રસંગ હોય પરિવારજનોને અન્ય સ્વજનના ઘરે લઈ જવાયા
હરિયાણાના સિરસા જિલ્લામાં બુધવારે (26 માર્ચ) ભારતમાલા રોડ પર એક મોટો અકસ્માત થયો હતો. ગુજરાત પોલીસની બોલેરો ગાડી (GJ 18 JB 7819) એક અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં ગુજરાત પોલીસના ત્રણ કર્મચારીનાં મોત થયાં છે, જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.
રામોલ પોલીસ સ્ટેશનના PSI સોલંકી અને 3 જવાનો પોક્સો કેસની તપાસ માટે લુધિયાણા જઈ રહ્યા હતા. તેઓની બોલેરોનો અકસ્માત થતાં પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિત, હોમગાર્ડ રવીન્દ્ર અને ખાનગી ડ્રાઇવર કનુભાઈ ભરવાડનું મોત થયું છે, જ્યારે PSI જે.પી.સોલંકી ઈજાગ્રસ્ત છે. અક્સ્માતના સમાચાર મળતાં જ ACP આઇ ડિવિઝન અને એક PSI તાત્કાલિક ધોરણે હરિયાણા જવા રવાના થયા છે.
કોન્સ્ટેબલની સોમવારે ટ્રાફિકમાં બદલી થઈ ને બુધવારે સવારે મોત મળ્યું પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિત 8 વર્ષથી રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. થોડા દિવસ અગાઉ તેમની રામોલથી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી. જ્યારે સોમવારે તેમની ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં બદલી થઈ હતી. પરંતુ છૂટા કરવામાં આવ્યા નહોતા. જો કે આજે(26 માર્ચ, 2025) વહેલી સવારે અકસ્માતમાં તેમનું મોત થયું છે. તેમનું પ્રથમ પોસ્ટિંગ 2017માં રામોલ પોલીસ સ્ટેશનમાં ફાળવવામાં આવ્યું હતું. તે અમરાઈવાડી પોલીસ લાઈનમાં તેમના બહેન સાથે રહેતા હતા. તેમના બહેન પણ સરકારી ભરતી પરીક્ષાની તૈયારી કરતા હતા. જ્યારે માતા-પિતા તેમના વતન તાપી ખાતે રહે છે. સુનિલ ગામિત અપરણિત છે.
આ અકસ્માતમાં ઘનશ્યામ ભરવાડ નામના ખાનગી ડ્રાઇવરનું પણ મોત થયું છે. ઘનશ્યામ ભરવાડ સીટીએમ ભરવાડવાસ ખાતે તેમની પત્ની, નાના બાળકો અને તેમના માતા-પિતા સાથે રહે છે. તેમને પોલીસ દ્વારા અવારનવાર આ પ્રકારે બહારગામ ગાડી ચલાવવા લઈ જવામાં આવતા હતા.
અકસ્માતમાં હોમગાર્ડ જવાન રવિન્દ્ર ક્ષત્રિયનું પણ મોત થયું છે. તેઓ પણ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમના પરિવારમાં પત્ની,બાળકો અને માતા છે. તેઓ સિંગરવા ગામના સોમનાથ પાર્કમાં રહે છે. તેમના પડોશીના ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી તેમના પરિવારને અન્ય સ્વજનોના ઘરે લઈ જવામાં આવ્યા છે.
Courtesy: Divya Bhaskar