ગુજરાત પોલીસના ત્રણ કર્મચારીના હરિયાણામાં અકસ્માતમાં મોત:1ની હાલત ગંભીર; પોક્સો કેસની તપાસ માટે પંજાબ જતી ગુજરાત પોલીસની ગાડી હાઇવે પર પાર્ક વાહન સાથે અથડાઈ
હરિયાણાના સિરસા જિલ્લામાં બુધવારે (26 માર્ચ) ભારતમાલા રોડ પર એક મોટો અકસ્માત થયો હતો. ગુજરાત પોલીસનું વાહન એક અજાણ્યા વાહન સાથે અથડાયું હતું. આ દુર્ઘટનામાં ગુજરાત પોલીસના ત્રણ કર્મચારીઓના મોત થયા છે. જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.
રામોલ પોલીસ સ્ટેશનના PSI સોલંકી અને 3 જવાનો પોક્સો કેસની તપાસ માટે લુધિયાણા જઈ રહ્યા હતા. તેઓની સરકારી બોલેરોનો અકસ્માત થતાં પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામીત, હોમગાર્ડ રવિન્દ્ર અને ખાનગી ડ્રાઇવર કનુભાઈ ભરવાડનું મોત થયું છે જ્યારે PSI જે.પી.સોલંકી ઈજાગ્રસ્ત છે. અક્સ્માતના સમાચાર મળતા જ ACP આઈ ડિવિઝન અને એક PSI તાત્કાલિક ધોરણે હરિયાણા જવા રવાના થયા છે.
વેડિંગ ખેડા પહોંચતા જ એક અજાણ્યા વાહન સાથે ગાડી અથડાઈ મળતી માહિતી મુજબ આ ઘટના બુધવારે સવારે 5.30 વાગ્યે બની હતી. ગુજરાત પોલીસની ટીમ ડબવાલી વિસ્તારમાં આવેલા વેડિંગ ખેડામાં એક કેસની તપાસ માટે આવી હતી. તેમની કાર વેડિંગ ખેડા પહોંચતા જ એક અજાણ્યા વાહન સાથે અથડાઈ ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી.
ઘટનાસ્થળેથી એક પંજાબની નંબર પ્લેટ મળી સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ બ્રહ્મ પ્રકાશના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી એક પંજાબની નંબર પ્લેટ મળી આવી છે. આ આધારે પોલીસ અજાણ્યા વાહનને શોધવામાં વ્યસ્ત છે. પોલીસ ટીમ દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
હાલમાં, ડબવાલી સદર પોલીસ સ્ટેશન ઘટનાસ્થળેથી અકસ્માતના વાસ્તવિક કારણ વિશે માહિતી એકત્રિત કરી રહ્યું છે. ગુજરાત પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી છે.
Courtesy: Divya Bhaskar