4YPROXd1mdfr506PJ8wRm5Wz34WTm9oE

4YPROXd1mdfr506PJ8wRm5Wz34WTm9oE

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ,કલોલ મેડીકલ કોલેજ ઉદઘાટન સમારોહ યોજાયો

……………………………. 

ભારતના યુવાનોને વિશ્વ સાથે સ્પર્ધા કરવાનો મંચ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં વધારો અને સ્ટાર્ટઅપ જેવી સુવિધાથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂરો પાડ્યો છે

……………………………. 

  • Ø વ્યસનમુક્તિસામાજિક દૂષણોને દૂર કરવા સાથે શિક્ષણ  આરોગ્ય જેવા અનેક જનકલ્યાણનાં કામોને શ્રી સ્વામિનારાયણ સંસ્થાએ પ્રાધાન્ય આપ્યું છે
  • Ø નવી શિક્ષણ નીતિમાં સંપૂર્ણ વ્યક્તિ બનાવવાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છેબાળકોમાં રહેલ શક્તિને બહાર લાવવાની તક આ શિક્ષણ નીતિમાં સામેલ છે
  • Ø ગુજરાતમાં છેવાડાના ગામોના સામાન્ય નાગરિકને પણ સરળતાથી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવી એ અમારી પ્રાથમિક્તા
  • Ø ૪૦ મેડિકલ કોલેજ અને ૭ હજારથી વધુ મેડિકલ બેઠકો૪ જિલ્લાઓમાં બ્રાઉન ફિલ્ડ અને ૨ જિલ્લામાં ગ્રીન ફિલ્ડ મેડિકલ કોલેજ કાર્યરત

Ø આવનારા ૫ વર્ષમાં ૧૦ જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરવાનું આયોજન: ૧,૫૦૦ બેઠકો વધશે

શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ દ્વારા આયોજિત ૩૦મો વાર્ષિક મહોત્સવ અને સ્વામિનારાયણ મેડીકલ કોલેજ ઉદઘાટન સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન સભા સંબોધન કરતા અમિતભાઇ શાહએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં જન્મયા અને તેમણે ગુજરાતને કર્મભૂમિ બનાવી હતી. દરેક ઘરમાં ભક્તિભાવ અને સંસ્કારનું સિંચન કરવાનું ઉમદા કાર્ય સ્વામિનારાયણ સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે.

સમાજમાં વ્યસનમુક્તિ સાથે સાથે શિક્ષણનો વ્યાપ વધારવાનું ઉમદા કાર્ય ૬૦ના દશકથી ગુરુકુલના માધ્યમથી આ સંસ્થા કરી રહી છે. ગરીબ, છેવાડા અને પહાડી વિસ્તારમાં રહેતા વનવાસી બાળકોને શિક્ષણ આપીને ભક્તિ અને સંસ્કૃતિ તરફ દોરી સારા નાગરિક બનાવવાનું કામ પણ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સુંદર રીતે થઈ રહ્યું  છે. ઉપરાંત સમાજમાં સજ્જન શક્તિનો સંગ્રહ કરવાના કામ સાથે શિક્ષણ, આરોગ્ય વ્યસન મુક્તિ, સામાજિક દુષણોને દૂર કરવા જેવા અનેક જન કલ્યાણના કામોને આ સંસ્થાએ પ્રાધાન્ય આપ્યું છે. અહીં કલોલ ખાતે આરોગ્ય સેવા વઘુ સર્દઢ બનાવવા માટે કોલેજનું નિર્માણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ તેની સાથે આસપાસના ગરીબ લોકોને આરોગ્ય સેવા આપવા માટે ખાસ એમ્બ્યુલન્સ સેવાની શરૂઆત કરવામાં આવી છે. 

  આ સરકારના શાસનમાં આરોગ્ય સેવાને પ્રધાન્ય આપવામાં આવ્યું છે, તેવું કહી કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી સરકારમાં મેડિકલ સેવા વધારવાનું કામ ૧૦ વર્ષમાં ખૂબ ઝડપથી થયું છે.

સિત્તેર વર્ષમાં ૭ એઈમ્સ હોસ્પિટલ બની હતી. ૧૦ વર્ષમાં ૨૩ એઈમ્સ હોસ્પિટલ બની છે.  દેશમાં ૩૮૭ કોલેજથી વધારીને ૭૦૬ મેડિકલ કોલેજ બનાવવામાં આવી છે. ૫૧ હજાર એમ.બી.બી એસ.ની સીટ વધારીને ૧ લાખથી વધુ કરવામાં આવી છે. ૩૧ હજાર જેટલા એમ.ડી, એમ.ડી. એસ ડિગ્રી લઇને દર વર્ષે બહાર આવતાં હતા. તે સીટો આજે ૭૦ હજાર કરવામાં આવી છે.

ઉચ્ચ શિક્ષણના સ્તરે આઇ.આઇ.ટી, આઈ. એ. એમ ,આઇ.આઇ.એસ.સી.આર. જેવી શિક્ષણની સંસ્થાઓને વિશ્વ કક્ષાની બનાવવામાં આવી છે. દેશના યુવાનોને વિશ્વના યુવાનો સાથે સ્પર્ધા કરવાનો મંચ આવી સંસ્થાઓ થકી આપવામાં આવી રહ્યો છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં ૧૧ ટકાની વૃદ્ધિ થઇ છે.  ૩૧૬ થી ૪૮૦ પબ્લિક યુનિવર્સિટી બની છે. ૩૮ હજાર કોલેજ થી ૫૩ હજાર કોલેજ બનાવવાનું કામ પ્રધાનમંત્રીશ્રીના કાર્યકાળમાં થયું છે, એમ તેમણે જણાવ્યું હતું.

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, નવી શિક્ષણ નીતિમાં બાળકો સામે અનેક તકો ઊભી કરવામાં આવી છે. મેડિકલ કોલેજ સાથે સાથે અર્થશાસ્ત્ર, સંગીત જેવા અનેક વિષયો ભણવાની તક પણ નવી શિક્ષણ નીતિમાં આપવામાં આવી છે. નવી શિક્ષા નીતિમાં સંપુર્ણ વ્યક્તિ બનાવવાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. બાળકોમાં રહેલ શક્તિને બહાર લાવવાની તક પણ આ શિક્ષા નીતિમાં વિઘાર્થીઓને મળી રહી છે. 

તેમણે ઉમેર્યું હતું કે, પહેલા ભારતના નેતા વિદેશ જતાં ત્યારે અંગ્રેજીમાં બોલતા હતા. આજે જી-૨૦ જેવા મંચ પર વડાપ્રઘાનશ્રીએ હિન્દીમાં પ્રવચન આપીને પોતાની સંસ્કૃતિ અને ભાષાને ઉજાગર કરી છે. આઝાદીના ૧૦૦ વર્ષ થશે, ત્યારે ભારત દેશના નવ યુવાનો દરેક ક્ષેત્રે અગ્રણી હશે. દેશમાં ડિજિટલ અને આધુનિકતા લાવ્યા તેની સાથે સંસ્કૃતિને જાળવવાનું કામ પણ દેશના વડાપ્રધાનશ્રીએ કર્યું છે. એક અદભુત ભારતનું નિર્માણ થશે અને ભારત વિશ્વમાં સર્વશ્રેષ્ઠ દેશ હશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત પર સતત વિકાસકામોની હેલી વરસાવી છે. એક જ અઠવાડિયામાં ગુજરાતને ૧ લાખ કરોડ રૂપિયાથી વધુના ૩૦૦ જેટલા વિકાસકામોની ભેટ મળી છે. દેશના ગૃહ મંત્રીશ્રી અમિત શાહ પણ આશરે ૭૫૦ કરોડ રૂપિયાના વિકાસકામોની ગુજરાતની જનતાને ભેટ આપશે.

મુખ્યમંત્રીશ્રી એ ઉમેર્યું હતું કે, સરકારના પ્રયાસમાં સમાજનો પ્રયાસ ભળે છે, ત્યારે વિકાસની ગતિ બમણી થઈ જાય છે. આજનો કાર્યક્રમ એનું ઉત્તમ ઉદાહરણ છે. સ્વાસ્થ્ય સેવાઓ સાથે ઉચ્ચ શિક્ષણ અને મેડિકલ શિક્ષણમાં જરૂરતમંદ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપીને આ સંસ્થા વડાપ્રધાનશ્રીના ‘સૌના સાથ, સૌના વિકાસ’ મંત્રને સાકાર કરી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેવાડાના ગામોના સામાન્ય માનવીને પણ સરળતાથી આરોગ્ય સેવાઓ મળે તેવી સુવિધાઓ વિકસાવી છે. ગ્રામ્ય સ્તરે પેટા આરોગ્ય કેન્દ્રોથી લઈને આધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો સહિત સ્વાસ્થ્ય-કેન્દ્રોનું એક્ટિવ અને એફિશિયન્ટ નેટવર્ક ગુજરાતમાં કાર્યરત છે.

મેડિકલ કોલેજ અને બેઠકો વિશે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજથી બે-અઢી દાયકા પહેલાં ગુજરાતમાં માત્ર ૯ મેડિકલ કોલેજો અને ૧૧૦૦ બેઠકો હતી જ્યારે આજે ૪૦ મેડિકલ કોલેજ અને ૭ હજારથી વધુ મેડિકલ બેઠકો છે. આ ઉપરાંત ૪ જિલ્લાઓમાં બ્રાઉન ફિલ્ડ અને ૨ જિલ્લામાં ગ્રીન ફિલ્ડ મેડિકલ કોલેજ શરૂ કરાઈ છે. સરકારના પ્રયાસો થકી આદિજાતિ જિલ્લાઓમાં પણ મેડિકલ કોલેજો શરૂ થતાં તેમણે મેડિકલ એજ્યુકેશન ઘરઆંગણે જ મળી રહ્યું છે.

આવનારા પાંચ વર્ષમાં ૧૦ જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરવાનું આયોજન છે અને તેના પરિણામે ૧,૫૦૦ બેઠકો વધશે. જેના પરિણામે છેક અંતરિયાળ ગામો સુધી ડોક્ટરો સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

ગુરૂકુલના સ્થાપકશ્રી શાસ્ત્રી સ્વામીજીએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, ભારત વિશ્વગુરૂ થવા જઇ રહ્યું છે. ત્યારે માત્ર નરેન્દ્રભાઇ મોદી નહિ, અમિતભાઇ શાહ નહિ, ભૂપેન્દ્રભાઇ પટેલ નહિ પણ આપણે સૌએ આ સ્વપ્નને સાકાર થવા જાગૃત્ત થવાની જરૂર છે. શિક્ષણની સુવિધા વધારવા માટે આ સરકાર હરહમેંશ પ્રયાસરત રહે છે. આ હોસ્પિટલના નિર્માણ થકી કલોલવાસીઓને આરોગ્ય સુવિધામાં વધારો થશે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકાર વૈસુધવ કુટુંબની ભાવ સાથે આગળ વઘી રહી છે. આ સરકારના શાસનમાં વિકાસના કામોની ગતિ તેજ બનાવવામાં આવી છે. રોડ રસ્તા સાથે વીજળી ઘરેઘરે મળી રહી છે. તેની સાથે મા નર્મદાના નીર પણ રાજ્યમાં ખૂણેખૂણે આ સરકારે પહોંચાડ્યાં છે. ડિજિટલ ભારતની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. શાકભાજીના નાના વેપારીથી લઇ મોટા વેપારી ડિઝિટલ પેમેન્ટ લઇ રહ્યા છે. આ સરકારના શાસનમાં જે કામનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે, તે કામનું લોકાર્પણ આ સરકાર જ કરે છે. જે વાત સરકારનું સુશાસન બતાવે છે.

આજના આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કપિલેશ્વર મહાદેવ મંદિર દર્શન અને પૂજા અર્ચના કરી કપિલેશ્વર તળાવની કામગીરીનું નિરીક્ષણ પણ કર્યુ હતું.

આ પ્રસંગે રાજ્યસભા સાસંદ મયંકભાઇ નાયક, કલોલના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર, માણસાના ધારાસભ્ય શ્રી જે.એસ.પટેલ, ગાંધીનગર કલેક્ટરશ્રી એમ.કે. દવે, જિલ્લા વિકાસ અધિકરી શ્રી સંજય મોદી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઇ પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના શ્રી આર.પી. પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલ, ર્ડા. એ.કે.પટેલ સહિત આમંત્રિત મહાનુભાવો અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *