કુણાલ કામરાને મારી તેના ટુકડા કરી નાખવાની ધમકી મળી:પેરોડી ગીત વિવાદમાં કોમેડિયનને 500થી વધુ ધમકીભર્યા કોલ આવ્યા; વકીલે પોલીસ પાસે 7 દિવસનો સમય માંગ્યો હતો
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર પેરોડી ગીત બનાવવા બદલ કોમેડિયન કુણાલ કામરાને હવે જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કામરાને ઓછામાં ઓછા 500 ધમકીભર્યા ફોન આવ્યા છે. જેમાં લોકોએ તેને મારી નાખવાની અને તેના ટુકડા કરી નાખવાની ધમકી આપી છે.
બીજી તરફ, પોલીસે મંગળવારે કામરાને સમન્સ જારી કર્યું હતું. તેને પૂછપરછ માટે મંગળવારે સવારે 11 વાગ્યે ખાર પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હતો. જોકે, કામરાના વકીલે પોલીસ પાસેથી 7 દિવસનો સમય માંગ્યો છે. પરંતુ પોલીસે ના પાડી. આજે બુધવારે ખાર પોલીસ કામરાને BNS કલમ 35 હેઠળ બીજું સમન્સ જાહેર કરશે. કામરા હાલમાં મુંબઈની બહાર છે.
36 વર્ષીય સ્ટેન્ડ-અપ કોમેડિયને તેના શોમાં શિંદેની રાજકીય કારકિર્દી પર કટાક્ષ કર્યો હતો. કામરાએ ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ના એક ગીતની પેરોડી કરી હતી જેમાં શિંદેને ગદ્દાર કહેવામાં આવ્યા હતા.
આ દરમિયાન કુણાલ કામરાએ 25 માર્ચે સોશિયલ મીડિયા પર બીજું એક નવું પેરોડી ગીત પોસ્ટ કર્યું. ‘હમ હોંગે કામયાબ’ લાઇન બદલીને તેઓએ એક જ દિવસમાં તેને ‘હમ હોંગે કંગાલ’ કરી દીધું.
કુણાલ કામરાનું નવું પેરોડી ગીત
Courtesy: Divya Bhaskar