કુણાલ કામરાને પોલીસનું તેડું:પેરોડી ગીત પર ટી-સીરીઝે કોપીરાઈટ નોટિસ મોકલી; કોમેડિયને કહ્યું- કઠપૂતળી બનવાનું બંધ કરો
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેના પેરોડી ગીત બાદ વિવાદોમાં ઘેરાયેલા કોમેડિયન કુણાલ કામરાને પોલીસે 31 માર્ચે પૂછપરછ માટે બોલાવ્યો છે. પોલીસે અત્યાર સુધીમાં તેને બે સમન્સ જારી કર્યા છે.
બીજી તરફ, ટી-સીરીઝે કુણાલને તેના વીડિયોમાં ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાના એક ગીતની પેરોડી કરવા બદલ કોપીરાઈટ નોટિસ મોકલી છે. કુણાલે પોતે X પર આ માહિતી આપી હતી. તેણે ‘કહતે હૈં મુઝકો હવા હવાઈ…’ ગીત પર એક પેરોડી ગીત ગાયું હતું અને નાણામંત્રી નિર્મલા સીતારમણ પર કટાક્ષ કર્યો હતો.
કામરાએ આરોપ લગાવ્યો કે તેના સ્ટેન્ડ-અપ સ્પેશિયલ ‘નયા ભારત’ને કોપીરાઈટ ઉલ્લંઘનના આધારે યુટ્યુબ દ્વારા વિઝિબિલિટી અને મોનિટાઇઝથી બ્લોક કરી દેવામાં આવ્યું છે. હવે તેના વીડિયોમાંથી કોઈ કમાણી થશે નહીં. તેણે ટી-સિરીઝના નિર્ણયને મનસ્વી ગણાવ્યો અને તેને વ્યંગ અને પેરોડી જેવી કલાત્મક સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો.
કામરાની X પોસ્ટ-
હેલો ટી-સિરીઝ, કઠપૂતળી બનવાનું બંધ કરો. પેરોડી અને વ્યંગ્ય કાયદેસર રીતે Fair Use હેઠળ આવરી લેવામાં આવ્યા છે. મેં ગીતના મૂળ શબ્દો કે વાદ્યનો ઉપયોગ નથી કર્યો. જો તમે આ વીડિયો દૂર કરશો, તો દરેક કવર સોંગ અને ડાન્સ વીડિયો પણ દૂર કરવા પડશે. સર્જકો કૃપા કરીને આની નોંધ લે.
Courtesy: Divya Bhaskar