કૃણાલ કામરાના ઘરે પહોંચી પોલીસ:શિંદેએ કહ્યું- વ્યંગની સીમા હોવી જોઈએ, એક્શન હશે તો રિએક્શન પણ થશે; કોમેડિયને કહ્યું- હું ભીડથી ગભરાતો નથી
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ પેરોડી ગીતના વિવાદમાં ફસાયેલા કોમેડિયન કૃણાલ કામરાને મુંબઈ પોલીસે મંગળવારે સમન્સ જાહેર કર્યું છે. તેમને આજે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે ખાર પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે.
જોકે, કૃણાલ મુંબઈમાં ન હોવાથી પૂછપરછ માટે હાજર થયો ન હતો. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, નોટિસની ફિઝિકલ કોપી કામરાના ઘરે પણ મોકલવામાં આવી છે. તેમને આ નોટિસની જાણ વોટ્સએપ દ્વારા પણ કરવામાં આવી છે. પોલીસ મુંબઈમાં તેના ઘરે પણ પહોંચી, જ્યાં તેના માતાપિતા રહે છે.
ડેપ્યુટી CM એકનાથ શિંદેએ મંગળવારે કહ્યું – કોઈની પર રમૂજ કરવી કે કટાક્ષ કરવો એ ખોટું નથી, પરંતુ તેની પણ એક મર્યાદા હોય છે. કૃણાલ કામરાએ જે પણ કર્યું, એવું લાગે છે કે તેણે કોઈના કહેવાથી આ કર્યું હશે. કટાક્ષ કરતી વખતે શિષ્ટાચાર જાળવવો જોઈએ, નહીં તો એક્શનનું રિએક્શન પણ થાય છે.
36 વર્ષીય સ્ટેન્ડ-અપ કોમેડિયને તેમના શોમાં શિંદેની રાજકીય કારકિર્દી પર કટાક્ષ કર્યો હતો. કામરાએ ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ના એક ગીતની પેરોડી કરી હતી, જેમાં શિંદેને ગદ્દાર કહ્યા હતા. ગીત દ્વારા, તેમણે શિવસેના અને એનસીપી વચ્ચેના ભાગલા વિશે રમૂજી સ્વરમાં ટિપ્પણી પણ કરી હતી.
વિરોધીઓએ હેબિટેટ કોમેડી ક્લબમાં તોડફોડ કરી કામરાનો વીડિયો સામે આવ્યા બાદ 22 માર્ચની રાત્રે શિવસેના શિંદે જૂથના સમર્થકોએ મુંબઈના ખાર વિસ્તારમાં હેબિટેટ કોમેડી ક્લબમાં તોડફોડ કરી હતી. શિંદેએ કહ્યું, આ જ વ્યક્તિ (કામરા)એ સુપ્રીમ કોર્ટ, વડાપ્રધાન, અર્નબ ગોસ્વામી અને કેટલાક ઉદ્યોગપતિઓ પર ટિપ્પણી કરી હતી. આ અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી. આ કોઈના માટે કામ કરવા જેવું છે.’
Courtesy: Divya Bhaskar