કુંટુંબમાં કોઇ દીકરીઓ નહી હોવાથી બે માસૂમ બહેનોનું અપહરણ કર્યું
Updated: Mar 26th, 2025
સાવલી તા.૨૬ સાવલી તાલુકાની મંજુસર જીઆઈડીસીમાં બે માસૂમ બહેનોના અપહરણ બાદ બંનેને મધ્યપ્રદેશમાંથી જિલ્લા પોલીસે શોધી કાઢી બંને બહેનોનું અપહરણ કરીને લઇ જનાર દંપતી સહિત ત્રણને ઝડપી પાડયા હતા જ્યારે એકને ફરાર જાહેર કરાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ મંજુસર જીઆઈડીસીમાં પરપ્રાંતિય દંપતી ખુલ્લા મેદાનમાં ઝૂપડા બાંધીને રહેતું હતું અને છૂટક મજૂરી કરીને જીવન ગુજારતા હતાં. તા.૨૪ના રોજ દંપતી પોતાની બે તેમજ ચાર વર્ષની માસૂમ પુત્રીઓને ઘરે મૂકીને મજૂરીએ ગયા હતા અને સાંજે પરત ફર્યા ત્યારે બંને પુત્રીઓ નહી મળતાં મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જિલ્લા પોલીસ દ્વારા બંને બાળાઓને શોધી કાઢવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. જીઆઈડીસીના તમામ એન્ટ્રી એક્ઝિટના સીસીટીવી તપાસ કરવાની સાથે સ્થાનિક પોલીસની સાથે એલસીબી અને એસઓજી પોલીસ પણ જોડાઇ હતી. બંને બહેનોની માતા સાથે કામ કરતી છાયા અને તેના પતિની ભૂમિકા શંકાસ્પદ જણાઈ હતી. છાયા બપોરના સમયે કંપનીમાંથી બહાર નીકળી હોવાનું ધ્યાને આવ્યું હતું.
પોલીસની કડક પૂછપરછમાં છાયાએ વટાણા વેરી નાંખ્યા હતાં અને જણાવેલ કે મારા મામાના દીકરા અંદરસિંહ ઉર્ફે અન્દ્ સાથે વીડિયો કોલ પર હું વાત કરતી હતી ત્યારે આ બે બાળકીઓને વીડિયો કોલ પર રમતા જોઈ હતી. અમારા કુટુંબમાં કોઈ દીકરીઓ નહી હોવાથી તમામ પુત્રો હોવાથી પુત્રી લાલસામાં છોકરીનો ઉછેર કરવાના ઇરાદે બંને બહેનોનું અપહરણ કર્યુ હતું.
Courtesy: Gujarat Samachar